અમેરિકામાં H1B અને ગ્રીન કાર્ડ ધારકો માટે હવે વેતન વધારાનો નવો નિયમ અમલમાં મુકવાનો નિર્ણય કરાયો છે. જો કે, આ નિયમનો અમલ પહેલી જુલાઈ ૨૦૨૧થી થશે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસસના અંતિમ તબક્કે યુએસમાં અરાજકતાનો માહોલ છે ત્યારે જ અમેરિકન એજન્સી દ્વારા H1B વિઝા અને વર્ક પરમિશનવાળા ગ્રીન કાર્ડ ઉપર રહેતા લોકોના મિનિમમ વેજમાં વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરના આ નિર્ણયથી આ વિઝા ધરાવતા લોકો માટેનું વેતન વધી જશે. આવા સંજોગોમાં ભારત સહિતના વિદેશોમાંથી યુએસ ગયેલા લોકોની મુશ્કેલી વધવાની સંભાવના છે. અમેરિકાના લેબર મંત્રાલયના જણાવ્યા મુજબ ૧ જુલાઈ ૨૦૨૧થી નવા વેતનવધારાનો અમલ થઈ જશે.
ટ્રમ્પ તેના સત્તા સંભાળ્યા બાદ પહેલાથી જ H1Bને ટાર્ગેટ કરતા રહ્યા હતા. જયારે હાલ સરકાર દ્વારા બીજી વખત વેતન વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પહેલાં ગત વર્ષે ઓક્ટોબરમાં ટ્રમ્પે H1B વિઝા અને ગ્રીન કાર્ડ હોલ્ડરના લઘુતમ વેતનમાં વધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જયારે આ જ વીઝા ધારકોને અસર કરી શકે તેવો નિર્ણય ફરી થયો છે, તે માટે શાસકો એવો તર્ક રજૂ કરી રહ્યા છે કે, નવા કાયદા અને વેજીસના કારણે વિદેશથી આવતા લોકોને ફાયદો થશે. અમેરિકાની ચૂંટણીમાં હાલમાં જ વિજેતા થયેલા જો બાઈડેને પણ અગાઉ જાહેરાત કરી હતી કે, વિદેશથી આવતા કર્મચારીઓને કોઈપણ રીતે શોષણ નહીં થવા દેવાય. આવા સંજોગોમાં વિદેશથી અમેરિકા જતા કામદારો, નોકરીઈચ્છુકોને કંપનીઓ કે નોકરીદાતાઓને વધુ વેતન ચુકવવુ પડશે. જે એકંદરે કંપનીના ખર્ચમાં વધારો કરશે. આવા સંજોગોમાં કંપનીઓ ઉમેદવારની પસંદગી સમયે સ્થાનિકોને પ્રાથમિકતા આપવાની દીશામાં પણ વિચારી શકે છે.