મુંબઈ ટ્રાફિક પોલીસે બુધવારે 56 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેણે કથિત રીતે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને મહારાષ્ટ્ર એનસીપીના નેતા જીશાન સિદ્દીકીને 2 કરોડ રૂપિયા નહીં ચૂકવે તો મારી નાખવાની ધમકી આપતા સંદેશા મોકલ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આઝમ મોહમ્મદ મુસ્તફાએ મંગળવારે ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ બંનેને પૂર્વ રાજ્ય મંત્રી બાબા સિદ્દીકીની જેમ જ મોત મળશે અને ઝીશાન સિદ્દીકીએ તેની ચેતવણીને મજાક તરીકે ન લેવી જોઈએ.
12 ઓક્ટોબરના રોજ બાંદ્રા વિસ્તારમાં ત્રણ બંદૂકધારીઓએ બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મેસેજ મળ્યા બાદ વર્લી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે બુધવારે તેઓએ બાંદ્રા (વેસ્ટ)માં બ્લુ ફેમ એપાર્ટમેન્ટના રહેવાસી મુસ્તફાની ધરપકડ કરી હતી. આ પોશ વિસ્તાર છે. મુસ્તફા પાસેથી ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવ્યા છે.
તપાસ દરમિયાન પોલીસે જે મોબાઈલ નંબર પરથી મેસેજ મોકલવામાં આવ્યો હતો તેના કોલ ડિટેઈલ રેકોર્ડ (સીડીઆર) એકત્ર કર્યા અને કેસ ઉકેલવા માટે એક ટીમ બનાવી. તેમણે જણાવ્યું કે ટેકનિકલ માહિતીના આધારે તેઓએ બાંદ્રાથી આરોપીની ધરપકડ કરી.