આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના વાણી વિલાસ, બંધારણના વિરુદ્ધ ઉચ્ચારણ અને હાલમાં જ જાહેર થયેલ તેમના વીડિયોમાં વડાપ્રધાન પદની ગરીમાને લાંછન લાગે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી કે જેમની સો વર્ષની ઉંમર છે તેમને અપશબ્દો બોલતા વિડીયો સામે પ્રદેશ મુખ્ય પ્રવક્તા યમલભાઈ વ્યાસ અને મીડિયા કન્વીનર ડૉ યજ્ઞેશ દવેએ એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસે જણાવ્યું કે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના બેફામ નિવેદનો સામે સમગ્ર ગુજરાત આજે રોષે ભરાયું છે. સમગ્ર ગુજરાતના નાગરિકોએ આ અપશબ્દની નોંધ લીધી છે. ભૂતકાળમાં તેમના વિવિધ વિડીયો નિવેદનમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ, ધાર્મિક વિધિઓ બાબતે તેમણે અભદ્ર શબ્દોનો ઉચ્ચારણ કર્યો હતો. ત્યાંથી ન અટકતા, તેમના આભરખા પૂરા ન થતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી માટે મીડિયામાં ન ચલાવી શકાય, કોઈપણ ન સાંભળી શકે તેવા અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માતૃશ્રી હીરાબા કે જેમની સો વર્ષની ઉંમર છે અને જેમને રાજકીય ગતિવિધિઓ સાથે કોઈ જ લેવાદેવા નથી અને તે તેમનું નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે તેવા પૂજનીય મહિલાને તેમણે અભદ્ર ટિપ્પણીઓ કરી છે. આ બધી જ બાબતો આમ આદમી પાર્ટીની માનસિકતાને દર્શાવે છે તેમની ગુજરાત વિરોધી, પ્રજા વિરોધી,રાષ્ટ્ર વિરોધી માનસિકતાને દર્શાવે છે. ભૂતકાળમાં ગોપાલ ઇટાલીયાએ રાજ્યના તત્કાલીન પૂર્વ ગૃહ મંત્રી પર જૂતુ ફેંક્યું હતું, હિન્દુધર્મના કથાકારો, સાધુઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી એ તેમનું ચરિત્ર દર્શાવે છે. વ્યાસે વધુમાં જણાવ્યુ કે, ગુજરાતના રાજકારણમાં ઘણા પક્ષોએ ભાગ લીધો છે, ઘણા પક્ષોએ ચૂંટણીઓ લડી છે પરંતુ ગૌરવશાળી ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય પણ આવી અભદ્ર ભાષાઓના ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષે કર્યો નથી.
ગુજરાતમાં અગાઉ બહુજન સમાજવાદી પાર્ટી, લોક જન શક્તિ પાર્ટી, નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવી પાર્ટીઓએ ગુજરાતના રાજકારણમાં ચૂંટણીઓ લડી છે પરંતુ તેમને ક્યારેય અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો નથી. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા ગુજરાતને બદનામ કરવાના ષડયંત્ર રચતા હોય તેવા તેમના વિડિયો, એવી તેમની પત્રકાર પરિષદ, તેવા તેમના ફોટાઓ ખૂબ વાયરલ થયા છે, જે લોકો ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓ કરે છે તેમની સાથે તેમના મેળાપીપણાના ફૂટેજ વાયરલ થયા છે તે દર્શાવે છે કે તેમની માનસિકતા માત્રને માત્ર ગુજરાત વિરોધી, ગુજરાતની અસ્મિતાને બદનામ કરનારી રહી છે. આમ આદમી પાર્ટીએ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમજ હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ તેમને કોઈ જ સફળતા મળી નથી તે માટે આવી મલિન હરકતો કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આમ આદમી પાર્ટી આવી નિમ્ન કક્ષાના નિવેદનો કરીને હરકત કરી રહી છે.