ગુજરાતના પાટનગર ગાંધીનગરના એક ગામમાં બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલા ચોરને પોલીસ સ્ટેશનની હવા ખાવી પડી હતી. મહત્વનું છે કે, એક ચોર ચોરી કરવાના ઈરાદે રીદ્રોલ ગામના એક મકાનમાં ધૂસ્યો હતો. આ દરમિયાન આસપાસના લોકોને આ વાતની જાણ થતાં તેઓએ ચોરને ઘરની અંદર પૂરી દઈ પરિવારને ચોરી અંગે જાણ કરી હતી. જેથી બીજા દિવસે વહેલી સવારે પરિવાર ઘરે આવી પહોંચ્યો તો જોઇને દંગ રહી ગયા હતા. ચોર રૂમમાં આરામથી સૂઈ રહ્યો હતો. પરિવારના સભ્યોએ ચોરને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો.
મળતી વિગતો અનુસાર ગાંધીનગરના રીદ્રોલ ગામમાં રહેતા એક પરિવારના સભ્યો પોતાના કામકાજને લીધે બહાર ગામ ગયા હતાં. આ દરમિયાન રીદ્રોલ ગામમાં તેમના બંધ મકાનમાં એક ઈસમ ચોરી કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો. અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડીને ઘરમાં ધૂસી ગયો હતો. આ દરમિયાન જો કે આસપાસમાં રહેતા પાડોશીઓને બંધ મકાનમાંથી કંઈક અવાજ આવતો હોવાથી મકાનની પાસે આવી પહોંચ્યા હતાં અને ઘરના દરવાજા બહારથી બંઘ કરી દઈ મકાનમાલિકને ઘરમાં ચોર ધૂસ્યા હોવાની જાણ કરી દીધી હતી. બીજા દિવસે ઘરના સભ્યો ઘરે આવીને મકાન ખોલીને જોયું તો ઘરનો સરસામાન વેર વિખેર પડ્યો હતો. અને ઓરડામાં ચોર આરામથી ઘસઘસાટ સુઈ રહ્યો હતો. લોકોએ તસ્કરને ઉંધમાંથી જગાડીને પોલીસ સ્ટેશનમાં હવાલે કર્યો હતો.