ભારતમાં કોરોના કાળ અને લોકડાઉનને કારણે 10 મહિનામાં નાગરિકોએ આર્થિક સંકટમાંથી પસાર થવું પડ્યું છે, લોકડાઉનને કારણે દેશમાં વેપાર, ધઁધા ઉદ્યોગોને માઠી અસર થઈ છે, જયારે લાખો લોકોએ નોકરી ગુમાવી છે. આમ છતાં ભાજપ સરકારે પ્રજાના ખિસ્સા ખંખેરવામા આ સમયગાળામાં પણ કોઈ કચાશ રાખી નથી. 2020-21માં એક્સાઈઝ ડ્યુટી 48% વધી છે. સરકારના આ પગલાને કારણે ડીઝલના વેચાણમાં એક કરોડ ટનથી પણ વધુનો ઘટાડો પણ નોંધાયો છે. કોરોના કાળમાં દરેક પ્રકારના ટેક્સ ઘટ્યા હતા. વેપાર ધંધામાં ઠપ હોવાથી જીએસટીની આવક પણ નજીવી થઈ રહી હતી. એક્સાઈઝ ડ્યુટી કલેક્શનમાં ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે રેકોર્ડ કરી દીધો છે. ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઇઝ રેટમાં સરકારે રેકોર્ડબ્રેક કરેલા વધારાને પગલે એક્સાઈઝ ડ્યુટીના કલેકશનમાં 48 ટકાનો વધારો નોંધાયો છે. કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, 2020ના નાણાકીય વર્ષના આઠ મહિનામાં ડીઝલના વેચાણમાં એક કરોડ ટનથી વધુનો ઘટાડો થયો હતો. આમ છતાં એક્સાઇઝ ડ્યુટીમાં આડેધડ ઝીંકાયેલા વધારાથી સરકારને અધધ આવક થઈ હતી.
ડીઝલ એ ભારતમાં સૌથી વધુ વપરાતું ઇંધણ છે. પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલના ચોપડે એપ્રિલથી નવેમ્બર 2020 દરમિયાન ડીઝલનું વેચાણ એક વર્ષ અગાઉના 5.54 કરોડ ટનથી ઘટીને 4.94 કરોડ ટન નોંધાયું હતુ. આ સમયગાળા દરમિયાન પેટ્રોલનો વપરાશ પણ એક વર્ષ અગાઉના 2.04 કરોડ ટનથી ઘટીને 1.74 કરોડ ટન થયો હતો. વર્ષ 2019ના એપ્રિલથી નવેમ્બર સુધીના સમયમાં એક્સાઈઝ ડ્યુટીની વસૂલાત રૂ. 1,32,899 કરોડ થઈ હતી. જયારે 2020ના આ જ સમયગાળામાં આ આંકડો વધીને રૂા.1,96,342 કરોડ નોંધાયો હતો. સરકાર માને છે કે આવકનો મોટો હિસ્સો ઈંઘણ પરના ટેકસ થકી જ આવે છે. યુપીએ શાસન વખતે ઈંધણના ભાવો વધવા મુદ્દે મોરચો માંડનાર ભાજપે સત્તા મેળવ્યા પછી ઈંધણના ભાવ પર ટેક્સ વધાર્યો છે અને એક દેશ એક ટેક્સની વાતો કરતી મોદી સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો અને કુદરતી ગેસને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વ્યવસ્થામાંથી બાકાત રાખ્યા છે તે પણ હકીકત છે. જુલાઈ 2017થી દેશમાં જીએસટી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશો અને કુદરતી ગેસ પર એક્સાઈઝ ડ્યૂટી વસૂલ કરે છે, જ્યારે રાજ્ય સરકારો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) વસૂલ કરે છે.
આર્થિક ક્ષેત્રે મંદી હોવા છતાં એક્સાઇઝ વસૂલાતમાં વધારો થવાનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સ દરમાં થયેલા આડેધડ વધારા સિવાય બીજુ કશુ નથી. એક વર્ષમાં આ સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા પ્રતિ લિટર વધારી છે. પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારોના વેટ દૂર કરવામાં આવે તો ડીઝલ અને પેટ્રોલનો દર આશરે 27 રૂપિયા પ્રતિ લીટર થઈ જાય તેમ છે. પરંતુ પ્રજા હિતની વાતો કરતી રહેતી કેન્દ્ર કે રાજ્ય સરકાર ટેક્સ પાછો ખેંચી શકતી નથી કે ઓછો પણ કરતી નથી.