ભારતના અનેક રાજ્યોમાં દહેજ પ્રથા આજે પણ ચલણમાં છે. સરકારના કાયદા છતાં વિવિધ સમાજો આજે પણ દહેજપ્રથાને બેરોકટોક આગળ ધપાવી રહ્યા છે. કેટલીકવાર કોઈ યુવતી સાથે મારપીટ કરી તેને ત્રાસ અપાય તો મામલો પોલીસ સુધી પહોંચતો હોય છે. હાલમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બનેલા દહેજના એક કિસ્સાએ મીડિયામાં સ્થાન મેળવવા માંડ્યું છે. આ ઘટનામાં સૈન્યનો જવાન અને તેના પરિવારના પાંચ સભ્યો સામે દહેજ અંગેની ફરિયાદ નોંધાઈ છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતી એક યુવતી અને નાસીકમાં રહેતા એક યુવકના પરિવારે તે બંનેના લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પરિવારે તે બંનેની સગાઈ કરી હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં તેમની પુત્રીની સગાઈ ઔરંગાબાદના રામનગર વિસ્તારમાં સ્થિત મેરેજ હોલમાં સગાઇ કરી હતી. સગાઇમાં કન્યાના માતા-પિતાએ છોકરાને 10 ગ્રામની સોનાની વીંટી અને બે લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. આ સમયે સગાઇમાં કન્યાના માતા-પિતાએ છોકરાને 10 ગ્રામની સોનાની વીંટી અને બે લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જો કે, યુવતી પિતા દહેજ આપવાની તરફેણ કરતા ન હતા. પરંતુ તેમણે તેની પુત્રીની ખુશી માટે તે થોડી રકમ આપી હતી. સગાઈ થયાને મહિનો વીતી ગયા બાદ યુવતીના પિતાએ તેના એક સંબંધી મારફતે યુવકના પરિવાર સમક્ષ લગ્ન નક્કી કરવા કહેણ મોકલ્યું હતુ. જો કે, આ સમયે વરરાજાના પરિવારજનોએ યુવતીના પિતા પાસે 21 નખવાળો કાચબો, એક લેબ્રાડોર અને છોકરીની સરકારી નોકરી માટે 10 લાખ રૃપિયાની માંગ કરી હતી. જેને કારણે યુવતીના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.
યુવતીના માતા-પિતાએ જણાવ્યું હતું કે યુવતીએ મહારાષ્ટ્રની સ્પર્ધાત્મક પરીક્ષામાં તલાટીની પરીક્ષા આપી હતી અને તેનું નામ હજુ સુધી વેઇટિંગ લિસ્ટમાં સામેલ થયું નથી. તેમ છતાં નોકરી માટે છેલ્લા બે મહિનાથી વરપક્ષ દહેજમાં 10 લાખ રોકડા માંગી રહ્યો છે. આ અંગે અમે પોલીસને ફરિયાદ કર્યા પછી પણ ઉસ્માનપુરા પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરાઈ તો દહેજની માંગણી કરનારાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. કેસ નોંધાયા બાદ હવે યુવતીની સગાઈ પણ તૂટી ગઈ હતી. પીડિતાના માતા-પિતાએ પોલીસને અપીલ કરી છે કે તેમને ન્યાય મળવો જોઈએ. જેથી સમાજમાં આ પ્રકારે દહેજ માંગનારાઓ માટે બોધપાઠનો કિસ્સો બની રહે. સમગ્ર ઘટના અંગે નાસિકમાં રહેતા એક સૈન્ય જવાન અને તેના પરિવારના પાંચ સભ્યો સામે ઔરંગાબાદના ઉસ્માનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.