તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીએ ભવ્ય વિજય મેળવીને ભાજપને પછડાટ આપી છે. આ ચૂંટણીના પરિણામોમાં ત્રીજા મોરચાને ફાળે તો માત્ર એક જ બેઠક આવી છે. આમ તો આ વખતે બંગાળમાં મુખ્ય જંગ ભાજપ અને ટીએમસી વચ્ચે જ હતો. ભાજપ હિંદુત્વને સહારે જંગ જીતવાના ફિરાકમાં હતો. તો મમતાએ ટીએમસીને જૂની રણનીતીને સહારે પ્રચાર કરીને ભાજપનો સામનો કર્યો હતો. હવે પરિણામો આવી ચુક્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે બંગાળમાં ટીએમસી અને ભાજપ સિવાય કોઈનું વર્ચસ્વ રહ્યું નથી. લેફટ અને કોંગ્રેસ તો આ ચૂંટણીમાં તદન સાફ થઈ ગયા છે.
તેમના 85 ટકા ઉમેદવારોએ પોતાની જમાનત ગુમાવી દીધી છે. આ ચૂંટણીમાં આઈએસએફે એક બેઠક પર વિજય મેળવ્યો હતો. આ પાર્ટીના ઉમેદવારોએ ચાર બેઠકના મતવિસ્તારમાં ભાજપને ત્રીજા નંબરે ધકેલી દીધું હતુ. થર્ડ ફ્રન્ટમાં ફુરફુરા શરીફના મૌલવી અબ્બાસ સિદ્દીકીની નવી પાર્ટી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતી. લેફ્ટ પાર્ટી ફક્ત 4 સીટો પર બીજા અને કૉંગ્રેસ ફક્ત 2 બેઠક જૉયપુર અને રાનીનગરમાં બીજા નંબરે રહી હતી. ત્રીજા મોરચાના પતનનો સીધો ફાયદો તૃણમૂલ કૉંગ્રેસને થતાં તે 213 બેઠકો જીતવામાં સફળ રહી હતી. કૉંગ્રેસને પશ્ચિમ બંગાળમાં ફક્ત 2.94 ટકા વોટ શેર મળ્યો છે. જયારે લેફ્ટને 5 ટકા વોટ મળ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના દીગ્ગજ નેતા રાહુલ ગાંધીએ બે મત વિસ્તારના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. આ બંને બેઠકના ઉમેદવારોએ પણ તેની ડીપોઝિટ ગુમાવવાની નોબત આવી છે. બંગાળની આ ચૂંટણીમાં ત્રીજા મોરચાના ઉમેદવાર ફક્ત 42 બેઠક પર જ ડીપોઝીટ બચાવી શક્યા છે. બંગાળની તમામ 292 બેઠક પર ત્રીજા મોરચાના ઉમેદવારોએ ઝંપલાવ્યું હતુ. જેમાં ભારતીય ધર્મનિરપેક્ષ મોરચા (ISF)એ અન્ય બે સહયોગીઓ કૉંગ્રેસ અને લેફ્ટ કરતા સારુ પ્રદર્શન કર્યું છે. જયારે રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી કૉંગ્રેસનો દેખાવ તો તદન શરમજનક રહ્યો છે. કોંગ્રેસને 2 સીટો- માટીગારા-નક્સલબાડી અને ગોલપોખરમાં એટલી ખરાબ હદે હારનો સામનો કરવો પડ્યો છે કે ઉમેદવારો જમાનત બચાવવા જેટલા મત પણ મેળવી શક્યા નથી. અહીં રાહુલ ગાંધીએ 14 એપ્રિલના રેલી કરી હતી.
મહત્વની વાત તો એ છે કે, એક દશકા સુધી માટીગારા નક્સલબાડી બેઠક પર કોંગ્રેસ સતત જીતી હતી. પરંતુ વર્તમાન ધારાસભ્ય શંકર માલાકાર આ વખતે ફક્ત 9 ટકા મત જ મેળવી શક્યા છે. આ બેઠકના પરિણામમાં કોંગી ઉમેદવાર ત્રીજા સ્થાને રહ્યા છે. જયારે ગોલપોખરમાં કૉંગ્રેસના ઉમેદવારને 12 ટકા મત મળ્યા હતા. આ બેઠક પર પણ કોંગી ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યા હતા. વર્ષ 2006થી 2009 સુધી અને પછી 2011થી 2016 સુધી આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા અને તેઓએ વિધાનસભામાં વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.
ત્રીજા મોરચાના અન્ય એક પક્ષ લેફ્ટે 170 બેઠક પર તેના ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા. જેમાંથી ફક્ત 21 ઉમેદવારો જ તેમની ડીપોઝીટ બચાવી શક્યા છે. જયારે 90માંથી 11 બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર અને 30માંથી 10 બેઠક પર આઈએસએફના ઉમેદવારો ડીપોઝિટ બચાવવામાં સફળ રહ્યા છે.