ગુજરાતમાં ધોરણ 12 સાયન્સની પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં શિક્ષણ બોર્ડે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી વિગતો મુજબ કોરોનાને કારણે આ વર્ષે શૈક્ષણિક સત્રમાં વારંવાર ફેરફારો કરાયા છે. ઓનલાઈન શિક્ષણ પદ્ધિતિ પણ ઝાઝી અસરકારક પુરવાર થઈ નથી. આવા સંજોગોમાં બોર્ડના પરીક્ષાર્થીઓના ભાવિ સામે પ્રશ્નો ઉભા થયા છે. પુરતુ શિક્ષણ વર્ગ ખંડમાં મળી શક્યું નથી. ઉપરાંત પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ મેળવાયું નથી. તેવા સમયે હવે બોર્ડની પરીક્ષાની તૈયારી શરૃ થઈ ગઈ છે. હાલ વિદ્યાર્થીઓ માટે થોડી રાહત રહે તેવા સમાચારો આવ્યા છે. જેમાં ધોરણ. 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની અંતિમ મુદતમાં વધારો કરાયો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓએ 20 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી દેવાના હતા.
પરંતુ હજુ કેટલાંક વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનુ ચુકી ગયા છે. શિક્ષણ વિભાગને ગત અઠવાડિયાથી આ વિશે અનેક ફરિયાદો મળી હતી. જેને પગલે સાયન્સની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 2 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે કર્યો છે. આ સાથે જ 2 માર્ચ સુધી ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ પાસેથી અલગથી કોઈ લેટ ફી વસૂલાશે નહીં, તેવી સ્પષ્ટતા પણ બોર્ડે કરી છે. બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન આવેદનપત્રો ભરવાની સૂચના સાથે ફી ભરવા સંબંધિત માર્ગદર્શિકા પણ મુકાઈ છે. શનિવાર સુધીમાં રાજ્યમાંથી 1.35 લાખ જેટલા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરાયા હતા. જયારે કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા બાદ પ્રિન્સીપાલ દ્વારા એપ્રુવલ આપવાનું બાકી રહી ગયું હોવાથી ફોર્મ ભરાયા નથી. જેથી વિદ્યાર્થીનું પ્રિન્સીપાલનું એપ્રુવલ બાકી હોય તો તે પણ 2 માર્ચ સુધી કરી શકશે તેવુ શિક્ષણ બોર્ડે જાહેર કર્યું છે. કોઈ શાળાએ ફાઈનલ એપ્રુવલ કર્યું હોય અને આવેદનપત્રો ભરવાના કે સુધારા કરવાના બાકી હોય તો તે ફાઈનલ એપ્રુવલનું ટિકમાર્ક કાઢીને સબમીટ કરવાથી આવેદનપત્ર ભરી શકશે અને સુધારો કરી શકશે તેવી સ્પષ્ટતા પણ કરાઈ છે.