સમગ્ર યુરોપ હાલ કુદરતના કાળા કેરનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધીમાં ભીષણ પુરને કારણે યુરોપના દેશોમાં 1300થી વધુ લોકો લાપતા થવા સાથે 100થી વધુ લોકોના મોત થયાના અહેવાલો છે. મીડિયાના અહેવાલો પ્રમાણે યુરોપના જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોમાં હાલ ભારે વરસાદને કારણે ઠેર ઠેર નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. જર્મનીમાં તો વરસાદ અને પુર બંનેએ ભીષણ સ્વરૃપ ધારણ કરતા ભારે તબાહી સર્જાઈ છે. પુરને કારણે ફાયર વિભાગ અને રેસ્ક્યૂ ટીમ સતત દોડધામ કરી રહી છે.
યુરોપના હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે જર્મનીમાં બ્લેસમેન, કોલોન જેવા વિસ્તારોમાં પુરને કારણે મોટુ નુકસાન થયું છે. બેલ્જિયમમાં સૌથી વધુ લોકો આર્વેલિયર અને સાઉથ બોન જિલ્લામાંથી લાપતા થયા છે. ફાયર વિભાગ અને રેસ્ક્યૂ ટીમ આ લોકોને શોધી રહી છે. બેલ્જિયમમાં પૂરના કારણે કુલ ૧૫ લોકોનાં મોત થયા છે. નેધરલેન્ડ, લક્ઝમબર્ગ અને સ્વિટ્ઝર્લેન્ડમાં પૂરથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ દેશોમાં હજારો લોકોનું સ્થળાંતર કરાવાયું છે.
જર્મનીના વાઈસ ચાન્સેલર એન્જેલા મર્કેલ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. ઘટનાની જાણ થતાં જ તેમણે સ્થાનિક પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. જે બાદ તેમણે જણાવ્યું હતુ કે, જર્મનીમાં આવેલા પૂરના દૃશ્યો જોઈનેને દુખ થઈ રહ્યું છે. ઠેર ઠેરથી તબાહી થયાના સમાચાર સાંભળીને મન પીડાથી ઉભરાઈ રહ્યું છે. તાજેતરમાં નોર્થ રેન વેસ્ટફાલિયા, હીનેલેન્ડ પેલેટીનેટ રાજ્યોમાં અનેક લોકોના મોત થયા છે. આ ઉપરાંત આર્વેલિયર અને સાઉથ બોનમાં પૂરને કારણે લાપતા લોકોની સંખ્યા વધારે છે. આગામી સમયમાં જર્મનીના લોકોને વધુ કુદરતી આફતોનો સામનો કરવો પડે તેવો ડર હવે સતાવી રહ્યો છે. હાલના સંકટમાં લોકોની મદદ માટે શક્ય એટલા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જર્મનીના વાઈસ ચાન્સેલર એન્જેલા મર્કેલે વધુમાં કહ્યું હતુ કે, વરસાદ અને પુરને કારણે મૃતાંક ૧૦૦ને પાર થઈ ગયો છે અને આગામી સમયમાં મૃતાંક વધવાની પૂરી શક્યતા છે. આમ છતાં રાહત અને બચાવ ટુકડીઓને સતત કામે લગાડી જાનહાનિ રોકવા પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ આ વિસ્તારમાંથી ૧૫ લોકોને એક પરગણામાંથી એર લિફ્ટ કરાયા હતા. જ્યારે ૫૫ લોકોનું પૂરના પાણીનું સ્તર વધે તે પહેલાં સ્થળાંતર કરાવાયું છે.
અત્યાર સુધીમાં અહીં પૂરને કારણે ૧૦૦થી વધુ લોકોનાં મોત થયાની આશંકા સેવાઈ રહી છે. પુરને કારણે જ ૧૩૦૦થી વધુ લોકો લાપતા છે. આ તમાન લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ અમેરિકી પ્રમુખ બાઈડેને પણ યુરોપના દેશોમાં પૂરતી થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જાણકારોના મતે ૧૯૬૨માં જર્મનીના હેમ્બર્ગ ખાતે આવેલા ભીષણ પૂર બાદનું આ સૌથી ભયાનક પૂર છે. 1962માં આવેલા પુરને કારણે ૩૦૦ લોકો મોતને ભેટ્યા હતા.