ટુલક્ટિ મામલે ભારત સરકારે ટ્વિટર સામે આકરું વલણ અપનાવવા સાથે જ સોશિયલ મીડિયા પર લગામ તાણવા કવાયત આદરી દીધી છે. ભારત સરકારે હવે દેશમાં સોશિયલ મીડિયા માટે આઈટીની નવી ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. જેનું પાલન નહીં થાય તો જે તે કંપની મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો કે, સરકારની આ કાર્યવાહી નાગિરક અધિકાર અને અભિવ્યક્તિની આઝાદી પર તરાપ તો નહીં સાબિત થાયને તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ભારતમાં ખેડૂત આંદોલન સાથે જ ટુલકીટ શબ્દ જાણીતો થયો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આંદોલન કે કોઈ આયોજન માટે કવાયત થાય અને સમયાંતરે ગાઈડલાઈન મુજબ તે આગળ વધે તે માટે ટુલકિટ પ્રચલિત છે. અત્યાર સુધી વિકસિત દેશોના યુઝર્સ આ બાબતથી વાકેફ છે. પરંતુ ભારતમાં મોદી સરકાર સામે શરુ થયેલા ખેડૂત આંદોલનમાં પણ ટુલકિટે ભાગ ભજવ્યો હોવાની વાત બહાર આવતા સરકાર જાગી ગઈ હતી. જે બાદ સરકારે દેશની સલામતીના કારણોસર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ૨૫ ફેબ્રુઆરીના રોજ નવી ગાઈડલાઈન બહાર પાડી હતી. જેનો ૩ મહિનામાં અમલ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. આ સમય મર્યાદા ગત મંગળવારે પૂરી થઈ જતા દિલ્હી પોલીસની સાયબર સેલે ટ્વિટરની ઓફિસમાં રેડ પણ કરી હતી. આ કાર્યવાહી પાછળ પણ ગાઈનલાઈનનું પાલન ન કરવાનો મુદ્દો જ હતો.
સરકારની નવી ગાઈડલાઈન્સ ૫૦ લાખથી વધુ યૂઝર્સ ધરાવતી તમામ સોશિયલ મીડિયા સાઈટ્સને તે લાગુ પડશે. જેને કારણે ભારતમાં ઈન્ટરનેટનું આખું કલેવર બદલાઈ જશે. તે સિગ્નલ, અને ટેલિગ્રામ તેમજ ફેસબુકને લાગુ પડશે. સરકારને વાંધાજનક ગણાય તે કન્ટેન્ટ સોશિયલ સાઈટ્સે ૩૬ કલાકમાં સાઈટ્સ પરથી દૂર કરવી પડશે. અન્યથા તેની સામે ક્રિમિનલ પગલાં લેવાશે. હવેથી સોશિયલ મીડિયામાં વાંધાજનક મેસેજ મૂળ કોણે મૂક્યો તે ટ્રેસ કરીને તેની માહિતી પણ સરકારને આપવા આ કંપની બંધાયેલી રહેશે. તમામ સોશિયલ મીડિયાએ ભારતમાં તેનાં ૩ અધિકારીઓ, ચીફ ક્મ્પલાયન્સ ઓફિસર અને નોડલ કોન્ટેક્ટ પર્સન, રેસિડેન્ટ ફરિયાદ નિવારણ ઓફિસરની નિયુક્તિ કરવી પડશે. આ લોકો ભારતમાં રહેતા હોવા જોઈએ. તેમના સંપર્ક નંબર એપ પર તેમજ વેબસાઈટ પર દર્શાવવાના રહેશે. હવે ભારત સરકારની નવી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે ફેસબુકે તૈયારી બતાવી છે. જોકે વોટસએપ, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાએ હજી તે વિશે કોઈ સંકેત આપ્યા નથી. જો આ સાઈટ્સ સરકારના નિયમોનું પાલન નહીં કરશે તો તેની સામે સરકાર એક્શન લઈ શકે છે. ફેસબુકે ઓફિશ્યલી જાહેરાત કરી છે કે, તે ભારત સરકારે બનાવેલી ગાઈડલાઈનનું પાલન કરવા તૈયાર છે.
ફેસબુકે કહ્યું કે આઈટીના નિયમો મુજબ ઓપરેશનલ પ્રોસેસ લાગુ કરવા તેમજ એફિશિયન્સી વધારવાની દીશામાં કાર્યવાહી આગળ ધપાવી છે. મહત્વની બાબત તો એ છે કે, ફેસબુક જ વોટસએપ અને ઈન્સ્ટાગ્રામની માલિકી કંપની પણ છે. આમ છતાં અન્ય બે પ્લેટફોર્મ દ્વારા ગાઈડલાઈનના પાલન વિશે તેણે ફોડ પાડ્યો નથી. જયારે નવા ધારાધોરણ મુજબ યૂઝર્સ પણ સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયરી સામે વિવાદિત મુદ્દે કાર્યવાહી કરવા સક્ષમ હશે. સોશિયલ મીડિયાની કંપનીઓએ ત્રણ સ્તરીય સેલ્ફ રેગ્યુલેટરી ફ્રેમવર્ક ઊભું કરવાનું રહેશે. જે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ તેમજ ઓનલાઈન ન્યૂઝ મીડિયાને પણ લાગુ પડશે.