20 જાન્યુઆરી 2021 – અમેરિકાના સમય પ્રમાણે બપોરે 12 કલાક… પહેલાં અમેરિકાના નવા ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ અને એ બાદ નવા રાષ્ટ્રપતિ જો બાઇડન શપથ લશે. બાઇડન અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ બનશે. અનેક વિવાદ બાદ આખરે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડશે. ખુરશી છોડવાનું ઘણું કઠીન હોય એ ટ્રમ્પે પુરવાર કરી દેખાડ્યું. આપણે ત્યાં તો એ વર્ષોથી પુરવાર થયેલું જ છે. છોડવું એ પણ જીવનનું એક મહત્વનું પાસુ છે. આપણે ત્યાં જીવનને ચાર આશ્રમમાં વહેંચી દેવાયા છે. એ ચાર પૈકી છેલ્લો આશ્રમ સંન્યાશ્રમ છે. એ આશ્રમમાં માણસે સંસારને ત્યાગીને ભગવા પહેરી લેવો એવા અર્થ આજના સમયમાં કાઢી શકાય નહીં. પરંતુ સંસારિક કામોમાંથી ધીરે ધીરે અંતર રાખતા થઇને માનસિક શાંતિ ભણીનો એ પ્રવાસ શરૂ થાય છે. મોહ છુટવા માંડે અને ભગવાનમાં લીન થવા સાથે જીવનના અંત ભણી જવા માનસિક રીતે તૈયાર થઇ જવાનો એ સમય ખરો. પરંતુ જ્યારથી ભૌતિક સુખ વધવા માંડ્યું છે, ત્યારથી એ છેલ્લો આશ્રમ જીવનમાંથી ડિલીટ થઇ ગયો છે. ઘણા માટે એ આશ્રમ તો વૃધ્ધાશ્રમમાં જ પસાર થતો હોય છે.
સંપત્તિ અને સત્તાનો મોહ એવો સવાર થઇ જાય છે કે એ છોડીને જવું મુશ્કેલ બની જતું હોય છે. એ તો સારૂં કે નોકરી કરનારા માટે તો નિવૃત્તિ વય નિશ્ચિત હોવાને કારણે મોટા ભાગના લોકો 58 કે 60 વર્ષે નિવૃત્ત થઇ જતા હોય છે. છતાં કી પોસ્ટ પર હોય એ માટે પાછું એક્સટેન્શનનું વળગણ રહે છે ખરૂં. સ્વાભાવિક છે કે પૈસા હોવાને કારણે દોમ દોમ સાહ્યબી ભોગવવાનું મળે અને સત્તા હોવાને કારણે એક ‘સાહેબ’ગીરીનો મોભ્ભો ભોગવવાનું ઘણાને વળગણ થઇ જાય છે. રાજકારણીઓમાં એ વળગણ ખાસ જોવા મળે. એક હાંક મારે એટલે બે ચાર પટાવાળા જી સાહેબ કહેતાંક થથરતા ઊભા રહી જાય, એ ઓછું હોય એમ નાના નેતાઓ અને કાર્યકરો પણ જી હજુરિયાની જેમ લળી લળીને રજુઆત કરતા હોય તેનો પણ એક નશો ચઢી જતો હોય છે. ખુરશી જાય પછી એ નશો ઉતરી જતો હોય છે. આપણે ત્યાં તો રાજકારણીઓ સાવ હાથ પગ ન ચાલે ત્યાં સુધી પ્રજાના માથે બોજ બનીને સાંસદ કે ધારાસભ્ય પદ શોભાવતા હોય છે. એ ખરૂં કે વડાપ્રધાન મોદીએ તે ઉપર થોડી બ્રેક મારી છે. 75 વર્ષથી વધુ વયના રાજકારણીઓને ઘરે બેસાડી દેવાનો નિર્ણય તેમણે કર્યો છે, ત્યારે કેટલાક વૃધ્ધો હવે ફરજિયાત સંન્યાશ્રમમાં પ્રવેશી જશે.
અમેરિકાની વાત આપણાં કરતાં જુદી છે. અમેરિકામાં તમામ સત્તા રાષ્ટ્રપતિના હાથમાં હોય છે અને કોઇ પણ વ્યક્તિ બે ટર્મ સુધી જ રાષ્ટ્રપતિ પદે રહી શકતો હોય છે. ટ્રમ્પ એવા 45મા રાષ્ટ્રપતિ હોય છે. તેમને બીજી ટર્મ મળશે એવી લાલસા હતી. પરંતુ તેમના અનેક નિર્ણય એવા રહ્યા કે પ્રજાને લાગ્યું કે આ માણસ બીજી ટર્મ સત્તા પર રહેશે તો બધું વીંખી નાંખશે. અમેરિકામાં લોકશાહી આપણાં કરતાં વધુ બળવત્તર ગણાય. એ કારણસર જ ટ્રમ્પને છેલ્લા દિવસોમાં અનેક વખત કડવો ઘૂંટ પીવો પડ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં ટીવીએ અધવચાળે પ્રસારણ અટકાવી દીધું હતું. એવું કરવાની ત્યાં જ પ્રચાર માધ્યમો હિંમત દેખાડી શકે. તો અમેરિકાના મીડિયા સતત ટ્રમ્પ કેટલી વખત જુઠ્ઠું બોલ્યા તેની ગણતરી રાખે અને વખત આવ્યે તેનો અરીસો ઘરી દેવામાં આવે. છતાં ટ્રમ્પ જાણે એ બધાથી પર હોય એમ પોતામાં જ ગુલતાન રહ્યા અને તેને કારણે કેપિટલ બિલ્ડીંગ પર તેમના સમર્થકોએ હુમલા પણ કર્યા, એ પહેલાં કોર્ટમાં પણ ખુરશી બચાવવા માટે હવાતિયા માર્યા, પરંતુ તેમની એક ન ચાલી. આખરે, તેઓ આજે વિદાય લઇ રહ્યા છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિઓ નિવૃત્ત થઇને પોતાની પ્રવૃત્તિમાં રત થઇ જતાં હોય છે અને એક સામાન્ય પ્રજા તરીકે જ જીવતા હોય છે. બે ટર્મ ભોગવી લીધા બાદ તેઓ રાજકારણમાં પણ માથું મારતા નથી. એ ગુણ આપણે ત્યાં હજુ કેળવાયો નથી અને તેથી જ પરાજિત કરીને પ્રજા ઘર ભેગા કરી નાંખે તો પણ કોઇ પણ હોદ્દે ચપ્પટ બેસી જવા મળે તો એવી તક કોઇ ગુમાવતું નથી. બીજી તરફ અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિઓ પદ છોડ્યા બાદ ઓઝલ થઇ જતાં હોય છે, પરંતુ ટ્રમ્પે એવો હાઇપ ઊભો કર્યો હતો કે તેઓ પરાજય પણ સ્વીકારી શક્યા નહીં અને તેને કારણે ખુરશી પર ચીટકી જવા માટે સતત પ્રયાસ કરતા રહ્યા, છતાં આખરે લોકશાહી મહાન છે અને તેઓ નિવૃત્ત થઇ જશે અને જો બાઇડન શપથ લઇને હવે વિશ્વની મહાસત્તાનું સુકાન સંભાળી લેશે….
મંથન
-મૈત્રી પટેલ