ખેડૂત આંદોલનને લગભગ મહિનો થવા આવ્યો પણ એનો અંત હજી જણાતો નથી. બન્ને પક્ષ અક્કડ વલણ અપનાવી રહ્યા છે. બેમાંથી એક પણ ઝૂકવા તૈયાર નથી. સામાન્ય માણસને એવો સવાલ થાય કે આનો ઉકેલ શું ? ખેડૂતો કહે છે એ મુજબ છ મહિના આ આંદોલન ચાલશે ? મોદી સરકાર અગાઉની જેમ નહીં જ ઝૂકે ? કોઈ મધ્યસ્થી નહીં બને ? આવાં સવાલ થાય એ સમજી શકાય એવી વાત છે. પણ કમનસીબે આ એકેય સવાલનો જવાબ કોઈની પાસે હાલ તુરત તો નથી.
આપણા દેશમાં પંજાબ, હરિયાણાના ખેડૂતો સૌથી વધુ સમૃદ્ધ છે. નાના રાજ્યો હોવાં છતાં એમની માથાદીઠ આવક ટોચ પર છે. ઘઉં, ચોખાના ઉત્પાદન દ્વારા જ આ સમૃદ્ધિ આવી છે. અસરકારક સિંચાઈ પધ્ધતિ અને ખેતીમાં મશીનોનો ઉપયોગ કરીને આ ખેડૂતો આગળ વધ્યા છે. સરકાર પણ આ પાક માટે ટેકાના ભાવ જાહેર કરે છે અને વર્ષોવર્ષ તેમાં વધારો કરે છે. આથી આ બન્ને રાજ્યોના ખેડૂતોએ ઘઉં, ચોખાનું ઉત્પાદન કરીને ટેકાના ભાવે સરકારને બધો પાક આપી દેવાનો હોય છે. પરિણામે ખેડૂતોની સમૃદ્ધિ વધતી ગઈ. આ ઉપરાંત ખાતર, વીજળી વગેરેમાં સબસિડી અથવા રાહતના દરના કારણે પણ તેમની ઉત્પાદન કિંમત નીચી આવે છે. ટેકાના ભાવ સતત વધતાં જાય છે આથી આ ખેડુતોની આવક વધતી જાય છે.
આંદોલન કરી રહેલા ખેડૂતોની એક માગ ટેકાના ભાવ અંગે ગેરન્ટી આપવાની છે. ખેડૂતોને ડર છે કે જો એપીએમસી દૂર થઈ જાય અને ખાનગી કંપનીઓના હાથમાં બજાર જતું રહે તો તેમને ડર લાગે છે કે ટેકાના ભાવ ઘટી જશે. આથી તેઓ ટેકાના ભાવ અંગે ગેરન્ટી માગે છે. બીજીબાજુ સરકાર એવું કહી રહી છે કે એપીએમસી બંધ નહીં થાય અને ટેકાના ભાવની સિસ્ટમ પણ ચાલુ જ રહેશે. છતાં ખેડૂતોને વિશ્વાસ બેસતો નથી.
હકીકતમાં ખેડૂતોને ડર છે કે જો એકવાર આ ઘૂસી જશે તો આગળ જતાં સરકારી ધોંસ વધી શકે છે. ખેડૂતોને જમ ઘર ભાળી જાય તેનો ડર લાગે છે. જોકે પંજાબ, હરિયાણાના ખેડૂતો જ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે આ બે રાજ્યોના ખેડૂતોએ વર્ષો સુધી આ રીતે ચિક્કાર કમાણી કરી છે. મંગળવારે ખેડૂત નેતાઓ સરકાર સાથે વાતચીત કરવી કે નહીં એ નક્કી કરી શક્યા નથી. એટલાં બધાં ખેડૂત સંગઠનો અને ખેડૂત નેતાઓ છે કે આ સંઘ કાશીએ પહોંચશે કે કેમ તે એક સવાલ છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો રોકડિયો પાક લે છે. બાગાયતી ખેતી કરે છે. સરકારે આ ખેડૂતો માટે ક્યારેય ટેકાના ભાવ જાહેર કર્યા નથી. આ ખેડુતોએ ક્યારેય આ માગણી કરી પણ નથી. શું આ ખેડૂતોને નુકશાન નહીં જતું હોય ? શાકભાજીની ખેતીમાં સૌથી વધુ નુકશાનીનો ભય હોય છે. છતાં આ ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે. ચીકુ, કેરી, કેળા, શેરડીનો પાક પણ પુષ્કળ પ્રમાણમાં લેવાય છે. આ તમામ પાક હવામાન પર આધારિત છે. સ્વાભાવિક છે કે ક્યારેક તો નુકશાન જતું જ હશે. હાલમાં ખેડૂત આંદોલનને કારણે ચીકુ દિલ્હી જઈ શકતાં નથી. ખેડૂતોને આ જે નુકશાન થઈ રહ્યું છે તે કોણ ભરપાઈ કરશે એ અંગે કોઈ કહેતું નથી.
મૂળ વાત વ્યાવહારિકતાની છે. લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે પણ એનો અર્થ એ નથી કે આંદોલનકારીઓ સ્વછંદી બની જાય, આપખુદ બની જાય. સુપ્રીમ કોર્ટે પણ વાટાઘાટો કરવા કહ્યું છતાં એમને પસંદ પડ્યું નથી. બહુ બરડ વસ્તુ જલદી તૂટી જાય છે તેનો આંદોલનકારીઓને ખ્યાલ હોવો જોઈએ.