મોદી સરકાર માટે માથાનો દુખાવો બની ગયેલું ખેડૂત આંદોલન થાળે પડવાને બદલે વધુને વધુ આક્રમકતા સાથે આગળ વધી રહ્યું છે. સરકારે બહુમતિના જોરે પસાર કરેલા 3 કૃષિ ખરડાને કાયદાનું સ્વરૃપ મળતાં જ ઉઠેલો અસંતોષ બે મહિના પછી પણ યથાવત રહ્યો છે. દીલ્હી બોર્ડર પર 52 દિવસથી અડીંગો જમાવીને બેઠેલા ખેડૂતોએ બુધવારે સુપ્રિમના સમિતિ રચવાના આદેશ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ ખેડૂતોએ દીલ્હી બોર્ડર, પંજાબ અને હરિયાણામાં લોહડી નિમિત્તે જ 20 હજારથી વધુ જગ્યાએ કૃષિ કાયદાની નકલો સળગાવી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતુ. ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કહ્યું હતુ કે, કોર્ટ દ્વારા જે સમિતિ રચાઈ છે. જેમાં તમામ ચાર સભ્યો તો પહેલેથી કૃષિ કાયદાના સમર્થક છે. તેથી આ સમિતિ પાસે ન્યાયની અપેક્ષા રાખી શકાય તેમ નથી. દરમિયાન કમિટીના એક સભ્ય ભૂપિન્દર સિંહ માને પોતાનું નામ સમિતિમાંથી પરત ખેંચી લીધું હતુ. ભૂપિન્દર સિંહ માને કહ્યું હતુ કે, તેઓ ખેડૂતોની સાથે છે. ભૂપિન્દર સિંહ માને સમિતિમાં રહેવા ઈન્કાર કરતા ખેડૂતો-કેન્દ્ર વચ્ચેની બેઠક યોજાવા અંગે અસમજંસ હતુ.
પરંતુ સરકારે શુક્રવારે ખેડૂતો સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી હતી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતુ કે, ખેડૂતો સાથેની આગામી બેઠક સકારાત્મક રહેવાની સરકાર આશા રાખી રહી છે. બીજી તરફ ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે કહ્યું કે જો સરકાર 5 વર્ષ સુધી કામ કરી શકે છે, તો ખેડૂત આટલા સમય સુધી પ્રદર્શન કેમ ન કરી શકે. અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ, પરંતુ કમિટીથી ખુશ નથી. જ્યાં સુધી સરકાર કાયદો પરત નહીં ખેંચી લે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે. રાકેશ ટિકેતે વધુમાં ઉમેર્યું હતુ કે, ’26 જાન્યુઆરીએ લાલકિલ્લાથી ઈન્ડિયા ગેટ સુધી રેલી કાઢવાની જાહેરાત કરી હતી. ટીકૈતે કહ્યું હતુ કે, રેલી બાદ તમામ ખેડૂતો અમર જવાન જ્યોતિ પર એકત્ર થશે અને ત્યાં ત્રિરંગો ફરકાવશે. આ ઐતિહાસિક ક્ષણ હશે, જ્યાં એક તરફ ખેડૂતો અને બીજી બાજુ જવાન હશે. આ દેશમાં જય જવાન અને જય કિસાનના નારા પહેલાથી જ ગૂંજતા રહ્યા છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈ પણ સંજોગમાં કમિટી સાથે વાત નહીં કરે. કેમકે કમિટી સરકાર માટે જ કામ કરશે. 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડની તૈયારી પુરજોશ ચાલુ કરાઈ છે. પરેડને લઈને પંજાબમાં ખેડૂત સભ્ય અને ગ્રામીણ વિસ્તારથી આયોજનો થઈ રહ્યા છે. પ્રદેશ ભરમાં વોલન્ટિયર્સની પણ ભરતી કરવામાં આવી રહી છે. મહિલાઓ ટ્રેક્ટર ચલાવવાની પ્રેક્ટિસ કરી રહી છે. દોઆબામાં જ્યાં દરેક ગામમાંથી 10-20 ટ્રેક્ટરને પરેડમાં સામેલ કરવા આયોજન છે.