કૃષિ કાયદાને મુદ્દે દિલ્હીમાં 58 દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલનને પગલે સરકારે બુધવારે 10મા તબક્કાની વાતચીત કરી હતી. જો કે, બેઠક દરમિયાન કૃષિ કાયદા 2 વર્ષ સુધી સ્થગિત રાખવાના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવી દેતા વિવાદ ઠેરનો ઠેર રહી ગયો હતો. બીજી તરફ બુધવારે જ દિલ્હીની ટિકરી બોર્ડર પર વધુ બે ખેડૂતનાં મોત થયા હતા. મોદી સરકારે સંસદમાં બહુમતિના જોરે પસાર કરેલા 3 કૃષિ ખરડા બાદ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિતના વિસ્તારમાં ખેડૂતોમાં વ્યાપક પણ નારાજગી ફેલાઈ છે. આ જ મુદ્દે હજારો ખેડૂતો દિલ્હીની સરહદે 58 દિવસથી અડીંગો જમાવીને બેઠા છે. જયારે હવે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસે ટ્રેકટર રેલી યોજવાની ખેડૂતોની જાહેરાતથી સરકારમાં ફરી ફફડાટ જોવા મળ્યો હતો. બુધવારે સરકારે ખેડૂતો સાથે 10 તબક્કાનો વાર્તાલાપ કર્યો હતો. જો કે, આ બેઠક પણ કોઇપણ સમજૂતિ વિના સમાપ્ત થઇ ગઈ હતી. ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન ખેડૂતો સમક્ષ બે પ્રસ્તાવ સરકાર તરફથી કૃષિ મંત્રી તોમરે રજૂ કર્યા હતા. જેમાં સરકારે ખેડૂતોને 3 કૃષિ કાયદાનો અમલ બે વર્ષ સુધી સ્થગિત કરવા અને લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે નવી સમિતિની રચના કરવા ધરપત આપી હતી. જોકે સરકારના આ પ્રસ્તાવમાં ખેડૂતોએ આંદોલન તરત જ સમાપ્ત કરી દેવું પડશે તેમ મંત્રીએ જણાવતા જ મામલો ગૂંચવાયો હતો.
આ પહેલાં સરકારે કૃષિ કાયદામાં સુધારાની ઓફર આપી હતી. પરંતુ ખેડૂતોએ કાયદા સંપુર્ણ નાબૂદ કરવાની માગ દોહરાવી હતી.
ખેડૂતોએ આરોપ મુક્યો હતો કે, સરકાર લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસરની બાંયધરી આપવાના મુદ્દાને અવગણી રહી છે. બીજી તરફ દિલ્હીની ટિકરી બોર્ડર પર બુધવારે આંદોલનમાં સામેલ ખેડૂત ધન્ના સિંહનું મોત થયું હતું. આ ઉપરાંત અન્ય એક ઘટનામાં મંગળવારે ઝેર પી લેનાર હરિયાણાના રોહતકના વતની અને 42 વર્ષના ખેડૂત જય ભગવાન રાણાએ પણ બુધવારે દમ તોડી દીધો હતો. રાણાએ સૂસાઇડ નોટમાં લખ્યું હતું કે હવે આ માત્ર આંદોલન નથી, પરંતુ સરકાર સામે મુદ્દાની લડાઈ છે. જે કોઈપણ રીતે જીતવાની છે. દરમિયાન સરકાર સાથેની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, મંત્રણાના પહેલા સેશનમાં કોઇ સફળતા હાંસલ થઇ નહોતી. ખરેખર તો સરકાર અમારી મુખ્ય માગણીઓ પર કોઇ ચર્ચા જ કરતી નથી. અમે એમેસપી પર ચર્ચા શરૂ કરી ત્યારે સરકારે ફરી નવા કાયદાનું રટણ ચાલુ કરી દીધું હતુ. બેઠકમાં ખેડૂત આગેવાનોને એનઆઇએ દ્વારા મોકલાતી નોટીસનો મુદ્દો રજૂ થયો હતો. પણ આ સમયે મંત્રીઓ મૌન થઈ ગયા હતા. એનઆઇએનો ઉપયોગ ખેડૂતોને હેરાન કરવા માટે થઇ રહ્યો છે.