ભારતમા મોદી સરકાર સામે છેલ્લાં એક વર્ષથી ચાલી રહેલા કિસાન આંદોલનનો વિવાદ ઉકેલાયો નથી. ત્યાં ખડૂતોને રીઝવવા સરકારની નવી યોજના અમલી બનનાર છે. ખેડૂતો માટેની આ યોજનામાં ખેડૂતોને ખેતીના સાધન લેવા માટે લગભગ 50 ટકા સુધીની સબસીડી આપવાની જોગવાઈ છે. છેલ્લાં કેટલાક સમયથી મોદી સરકાર સામે કિસાનોની નારાજગી વધી રહી છે. બહુમતિના જોરે પસાર કરેલા 3 કૃષિ કાયદા મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે સર્જાયેલો ખટરાગ વધુ ઘેરો બની રહ્યો છે. આવા સંજોગોમાં આવનારી ચૂંટણીમાં આ મુદ્દો ભાજપ માટે નુકસાનકારક સાબિત નહીં થાય તે દીશામાં સરકારે પગલા લેવાનુ શરુ કરી દીધું છે. સરકાર દ્વારા અમલી પીએમ કિસાન યોજના ખેડૂતોને માટે મોટો લાભ આપી શકે છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં છેલ્લાં બે દાયકાથી ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. મોંઘાદાટ ખાતર તથા ખેતીના સાધનો, વધતો જતો મજૂરી ખર્ચ તથા મજૂરોની અછત જેવી સમસ્યાનો સામનો કરતા ખેડૂતે પાક તૈયાર થયા પછી પણ માર્કેટમાં ઉત્પાદનના વેચાણ સમયે રડવાનો વારો આવી રહ્યો છે.તેથી સરકારે PM કિસાન ટ્રેકટર યોજના અમલી કરી છે. આ યોજના અંતર્ગત ખેતીના સંશાધનો માટે ખેડૂતો 50 ટકા સુધીની સબસીડી મેળવી શકશે.
જો કે, આ માટે સરકારે કેટલીક શરતો રાખી છે. જેમાં છેલ્લાં સાત વર્ષમાં ખેડૂતે એક પણ ટ્રેકટર ખરીદ્યું ના હોય, ખેડૂતની પાસે તેના નામની જમીન હોય તેવા ખેડૂતો યોજના માટે દાવેદારી કરી શકશે. એક ખેડૂતને આ લાભ માત્ર એક જ વખત મળશે. જયારે ટ્રેકટર પર સબ્સિડી મેળવનાર ખેડૂત કોઇ બીજી સબ્સિડી સાથે જોડાયેલો ના હોવો જોઈએ. આ ઉપરાંત પરિવારનો ફક્ત એક જ વ્યક્તિ ટ્રેકટર પર સબ્સિડી માટે અરજી કરી શકે છે. ટ્રેકટર માટે સબ્સિડી મેળવવા જો તમે તમામ લાયકાત ધરાવો છો તો પછી યોજના માટે ઓનલાઇન કે ઓફલાઇન રીતે અરજી કરી શકો છો. આ યોજના માટે અરજી કરવા તમે કોમન સર્વિસ સેન્ટર પર જઇ શકો છો. બિહાર, ગોવા, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યમાં આ યોજનામાં અરજી કરવાની ઓનલાઇન સુવિધા પણ છે. તેના માટે તમારે આધાર કાર્ડ, જમીનના કાગળ, બેન્ક ખાતાની ડિટેલ, મોબાઇલ નંબર અને એક પાસપોર્ટ સાઇઝ ફોટા આપવા પડશે. નાના ખેડૂતોને પણ ટ્રેકટર મળી રહે તે માટે PM કિસાન ટ્રેકટર યોજનાની શરૂઆત કરાઈ છે.