દિલ્હી સરહદે હજારો ખેડૂતોના ચાલી રહેલા આંદોલનમાં 26મીએ ટ્રેકટર રેલી યોજવાની જાહેરાતથી મોદી સરકાર મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. ખેડૂતોને કોઈપણ ભોગે રેલી યોજવા ન દેવાના તમામ પ્રયાસો ઉધામા જણાતા આખરે મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો હતો. જયાં હવે આ પ્રકરણમાં દીલ્હી પોલીસને ખો આપી દેવાયો છે. કૃષિ કાયદાને લઈને ભડકેલા હજારો ખેડૂતો 58 દિવસથી દિલ્હીમાં આંદોલન ચલાવી રહ્યા છે. આ વિવાદમા ખેડૂતો કાયદા રદ કરવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર કાયદાને પરત નહીં ખેંચવા મક્કમ છે. તેથી મામલો ગૂંચવાયો છે. આ આંદોલનના ભાગરૃપે ખેડૂત સંગઠનોએ 26મી જાન્યુઆરીએ જ દિલ્હીમાં ટ્રેકટર રેલીનું આયોજન કરવા જાહેરાત કરી દીધી હતી. જેને પગલે મોદી સરકારને ફરી મુશ્કેલીમાં મુકાવવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. ખેડૂતોની રેલી મામલે બુધવારે સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સર્વોચ્ચ અદાલતે આ વિવાદમાં દખલ આપવાથી ઇનકાર કર્યો હતો. આ સાથે જ દિલ્હી પોલીસ જ આ અંગે નિર્ણય લે તેવો આદેશ કર્યો હતો.
બીજી તરફ સુપ્રીમના આ વલણ બાદ કેન્દ્ર સરકારે ખેડૂતો દ્વારા પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલીને પોલીસનો મુદ્દો ગણાવવા માંડ્યો હતો. સરકારે આ મામલે હસ્તક્ષેપની અપીલવાળી અરજી પાછી ખેંચી લીધી હતી. સુપ્રીમ કૉર્ટે બનાવેલી કમિટી પર ખેડૂતો દ્વારા સવાલો ઉઠાવાયા હોય, કોર્ટે તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સીજેઆઈએ કહ્યું હતુ કે, “તમારે કમિટી સામે હાજર નથી થવું, ના થાઓ, પરંતુ કોઈની છબિને આ રીત ખરાબ કરવી યોગ્ય નથી. પબ્લિક ઑપિનિયનને લઈ જો તમે કોઈની છબી ખરાબ કરશો તો કૉર્ટ સહન નહીં કરે. કૉર્ટે કમિટીની ફરીવાર ગઠન કરવાની માંગ કરનારી કિસાન મહાપંચાયતની અરજી અંગે કાર્યવાહી હાથ ધરતા આ પ્રકરણના તમામ પક્ષોને નોટિસ ફટકારી છે. સરકારના વકીલ હરીશ સાલ્વેની દલીલ બાદ કોર્ટે ફરી સ્પષ્ટ કર્યું હતુ કે, કોર્ટ દ્વારા રચાયેલી સમિતિને સરકારે કોઈ સત્તા આપવાની નથી. તે માત્ર રિપોર્ટ તેયાર કરી કોર્ટમાં રજૂ કરશે. વધુમાં હવે ટ્રેક્ટર રેલીની મંજૂરી આપવી કે નહીં તેનો નિર્ણય લેવાનો વારો દિલ્હી પોલીસને આવ્યો છે. તેથી પોલીસ મુશ્કેલીમાં મુકાય શકે છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ અદાલતમાં વકીલોને સલાહ આપી કે ખેડૂતોને અપીલ કરે કે ટ્રેક્ટર રેલી શાંતિથી યોજે. ટ્રેક્ટર રેલીને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજવા પ્રતિબદ્ધ છીએ. અમને કોણ રોકશે તે જોવાઈ જશે. રાજધાની દિલ્હી પર ખેડૂતોનો પણ હક્ક છે. ગણતંત્ર દિવસની ઉજવણી પણ ખેડૂતો કરનાર છે.