પશ્ચિમના રાજ્યોને જોડતો દ્રૃતગતિ માર્ગ વડોદરાથી મુંબઇ વચ્ચે બનશે. આ છ માર્ગીય ઊંચાઈવાળા સુપર હાઇવે માટે વલસાડ-ખેરગામ વચ્ચે મુળીગામ ખાતે જીપીએસઉપગ્રહ દ્વારા ઝડપી મોજણી અને રેખાંકન કામ શરૂ થવા સાથે મુળી ગામના ૬૫ ઘરના ખેડૂતો બેઘર થશે.
તા.૩૦ મીએ મુળી ખાતે સર્વેક્ષણ ટીમના સોહનલાલ યાદવ સહ પાંચ-૫ માણસોની ટુકડી દ્વારા અદ્યતન માપણી સાધનો દ્વારા કામ ચાલે છે. આ સીમાંકન રેખાંકનમાં આરસીસી મકાન -લગભગ ૫૦ લાખથી વધુનું-સંપૂર્ણ જાય છે એવા અગ્રણી ખેડૂત સુરેશભાઈનુ કહેવું છે કે પહેલા આ રેખાંકન મારા ઘર થી ૩૦૦ મીટર દૂરથી જવાનું હતું પરંતુ તેમાં ફેરફાર થતાં હવે મારા ઘર સહિત મુળીના પાંસઠ જેટલા ઘરો પાકા મોંઘા મકાનો નામશેષ થશે. દક્ષિણે હરીજનવાસ હળપતિવાસ કોળીવાડના નાના ઝૂંપડાધારકો પાસે ઝૂંપડા સિવાયની કોઈ જગ્યા નથી, તે તમામ પણ આ માર્ગના ભોગી બનતા બેઘર બની જશે. ઉત્તરે નવીનગરી ભગત ફળિયું હળપતિવાસ પણ બેધર બનશે. ઘણા ખેડૂતોની વર્ષોની મહેનતે ઊપજાઉ કમાઉ બનાવેલી ખેતી, આંબા કલમો વિવિધ ઝાડો સંપૂર્ણ નામશેષ થશે.સેંકડોની વસતી બેઘર બનતા ખેતી વિહોણી થતા તેના માટે કેવી પુનઃસ્થાપનની પ્રક્રિયા થશે તેનો હજુ સરકારે ફોડ પાડ્યો નથી. બે ચાર દિવસ પહેલા ગાંધીનગર ખાતે ખેડૂત સભામાં પ્રતિનિધિ તરીકે ભગુભાઈ અને રૂપેશ પટેલ ગયા હતા પરંતુ વળતર વિશે કોઇ જાણ થઈ નથી. એક વિન્ઘુ જમીનનો ભાવ ૯૬ લાખ બોલાય છે ગોરવાડા પાસે તે દોઢ કરોડ થયો.
નવસારી વલસાડ જિલ્લામાં માત્ર ૩૨ ઇંચ વરસાદ થાય છે (સરેરાશ વરસાદ ૮૦ ઈંચ થી વધુ હોય છે) તેમ માનીને તંત્રએ ઉપજાઉં જમીનની કિંમત ખૂબ જ ઓછી આંકી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ,ગોલ્ડન કોરીડોર પ્રોજેક્ટ અને એક્સપ્રેસ હાઈવેમાં ખેડૂતોને વળતરની રકમમાં ભારે વિસંગતતા છે.
હાલમાં મુળીમાં ખેરગામ રસ્તે ૧૦૦ મીટર દક્ષિણે ૧૨૦ મીટર અને ઉત્તરે ૮૦ મીટર જેટલી જગા સંપાદિત થતા ખેડૂતો તેનો ભોગ બનશે તે પ્રમાણે હાલ રેખાંકન થાય છે.સુરક્ષા બંદોબસ્ત સાથે મોજણી- રેખાંકન કામ ચાલે છે જેમાં હાલ તો ખેડૂતો શાંત રહીને મૂક પ્રેક્ષક બન્યા છે જેઓનો ભારેલો જઠરાગ્નિ બાપદાદાથી ચાલી આવેલ મિલકતો જતા બેઘર બનતા કેવું સ્વરૂપ લેશે એ તો સમય જ કહેશે.
વળતર લઈને પણ શું કરવું તે યક્ષ પ્રશ્ન છે, કેમકે જે વળતર મળશે તે રકમથી હાલમાં જેનો ભોગવટો કરે છે, જે ઉપજાઉ જમીન છે તેવી બીજે એટલા જ પ્રમાણમાં એના જેવી જ મળવાની નથી, જેથી અન્નદાતાઓને સરકારના વિકાસ કાર્યમાં અંતે રડવાનો જ વારો આવશે. આશ્ચર્યની વાત એ છે કે પશ્ચિમે સમુદ્રી તટીય માર્ગ છે જેનાથી પાંચ-વીસ કિલોમીટરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ અને પશ્ચિમ રેલવે ટ્રેક છે જેની બાજુમાં ગોલ્ડન કોરીડોર ટ્રેક થઈ રહ્યો છે. હવે ૪૮ ક્રમના હાઈવેથી ૫૦ કિ.મી. ના અંતરે આ એક્સપ્રેસ હાઈવે પૂર્વમા બને તો તે પૂર્વના પછાત વિસ્તારમાં વિકાસકેડી બને.હાલના લગભગ વીસેક કિલોમીટરના પટ્ટામાં-મુંબઈના પરા જેવા વિસ્તારોમાં અનેક યોજનાઓ ઠોકી બેસાડીને વિકાસના નામે વર્ષોથી વસેલા મહામહેનતે ઉપજાઉ ખેતી કરી ઠરીઠામ થયેલા ધરતીપુત્રો- બીજા રહિશ લોકોના જનજીવનને પ્રભાવિત કરી હાલ તો વિસ્થાપિત કરી સરકાર નામશેષ કરી રહી છે એવું ભોગી લોકો માની રહ્યા છે.