છેલ્લાં કેટલાક દિવસોથી ભારતમાં સોશિયલ મીડિયામાં 100ના દરની જૂની નોટ રદ થવાની વાતો વહેતી હતી. દરમિયાનમા RBIના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશના એક નિવેદનથી નાગરિકો ફરી ગભરાયા છે. બી મહેશના નિવેદન સાથે જ નાગરિકોને 500 અને 1000ના દરની નોટ રદ કરી દેવાના સરકારની નિર્ણયની યાદ આવી ગઈ છે. જો કે, આરબીઆઈ કે સરકારે હજી સત્તાવાર નિર્ણય કર્યો નથી. જો કે, અગાઉ નોટબંધી વખતે નડેલી સમસ્યા વિશે કેટલીક બેંકોએ સુચન કર્યું છે કે, આ વખતે RBI જો કોઈ નિર્ણય કરે તો તે માટે પહેલેથી આયોજન હોવું જોઈએ. તે અંગે જૂની નોટો સર્ક્યુલેશનમાં છે તેટલી જ નવી નોટો માર્કેટમાં લાવવા વિચારણા થઈ રહી છે. કોઈપણ દરની નોટને અચાનક તેને બંધ કરવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી છે. આરબીઆઈના આસી. મેનેજર બી મહેશે હાલ એક નિવેદન આપ્યું છે કે, દેશમાં ચલણમાં રહેલી 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટ પરત ખેંચવાની યોજવા વિશે આરબીઆઈ વિચારણા કરી રહી છે. નોટ પરત ખેંચવા પુર્વે પુરતુ આયોજન કરવાનું હોય છે. જો તમામ પાસા પર વિચાર કર્યા બાદ અનુકૂળ હશે તો સંભવતઃ માર્ચ કે એપ્રિલમાં તે અંગે વિધિવત નિર્ણય લઈને તેની જાહેરાત પણ કરાશે. આરબીઆઈના સુત્રોનો દાવો છે કે, અગાઉ સરકારે 500 અને 1000ના દરની જૂની નોટને એટલા માટે રદ કરી હતી કે, આ દરની નોટ સાથે દેશમાં મોટાપાયે બોગસ નોટ ફરતી થઈ હતી. જેથી દેશના અર્થતંત્રને નુકસાન થઈ રહ્યું હતુ.
સરકારે તે નોટ બંધ કર્યા બાદ હવે અન્ય દરની નકલી નોટ ફરતી હોવાની આશંકા છે. હાલ તે આશંકા દુર કરવા સાથે કોઈ દરની નવી બોગસ નોટ ચલણમાં ફરતી ન કરે તે માટે સતર્કતા રાખવામાં આવી રહી છે. આ સાથે જ તમામ ખતરાને ટાળવા માટે રિઝર્વ બેંક જૂની સીરિઝની નોટને પરત લઈ શકે છે. જો કે, આ વિશે હજી સત્તાવાર નિર્ણય કરાયો નથી. તેથી હજી અધિકૃત જાહેરાતની રાહ જોવી પડે તેમ છે. જાહેરાત થયા બાદ નાગરિકો જે તે દરની બંધ કરાયેલી જૂની નોટને અગાઉની જેમ જ બેંકમાં જમા કરાવી શકશે. જેના બદલામાં તે નાગરિક બેંકમાંથી નવી નોટ લઈ શકશે. બી મહેશે વધુમા કહ્યું છે કે નવી નોટ જાહેર કરવા છતાં થોડા સમય માટે જૂની 100 રૂપિયાની નોટ પણ ચાલું રહે તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. જયારે આજથી 15 વર્ષ પહેલા આવેલો 10નો સિક્કો રિઝર્વ બેંક માટે સમસ્યારૃપ બની ચૂક્યો છે. દુકાનદાર અને ધંધાર્થીઓ તેને લેવા માટે ઈનકાર કરી રહ્યાની ફરિયાદો આરબીઆઈ અને સરકાર સુધી પહોંચી રહી છે. જેને લીધે રિઝર્વ બેંક પાસે 10 રૂપિયાના સિક્કા પરત ખેચે તો મોટો ખર્ચ માથે પડે તેમ છે. આવા સંજોગોમાં દેશની બેંકોને 10 રૂપિયાના સિક્કાની કાયદેસરતા અંગે લોકોમાં જાગૃતતા લાવવા સુચના મોકલાઈ છે. સિક્કાને બંધ કરવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે, RBIએ 2 વર્ષ પહેલા નવી 100ની નોટ જાહેર કરી હતી. 100 રૂપિયાની નવી નોટ ડાર્ક લવન્ડર કલરની છે અને આ નોટ પર ગુજરાતના પાટણ જિલ્લાની ઐતિહાસિક સ્થળ રાણકી વાવનો ફોટો પણ દેખાય છે. આ જગ્યાને રાણ કી બાવડી પણ કહેવાય છે. યુનેસ્કોએ 2014માં આ વાવને વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે જાહેર કર્યા બાદ સરકારે તેનો ફોટો છાપવા નિર્ણય કર્યો હતો.