કોરોના સામે જંગ લડી રહેલી દુનિયામાં હાલ વેકસીનેશનની કામગીરી મોટાપાયે ચાલી રહી છે. આવા સમયે રવિવારે ન્યુઝીલેન્ડમાં ફરી કોરોનાનો નવો સ્ટ્રેન દેખાતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ અમેરિકાના 44 રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિએન્ટના 1000 કેસ સામે આવી ચુક્યા છે. US સેન્ટર્સ ફોર ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે સૌથી વધારે 981 કેસ બ્રિટનમાંથી મળેલા કોરોનાના નવા સ્ટ્રેનના છે. આ ઉપરાંત 13 કેસ દક્ષિણ આફ્રિકા અને 3 કેસ બ્રાઝીલવાળા વેરિએન્ટ છે. ન્યુઝીલેન્ડમાં નવા કોરોના વાયરસની ઘટનાને સરકારે પણ ઘટનાની ગંભીરતા સમજીને મોટા શહેર ઓકલેન્ડમાં 3 દિવસનું લોકડાઉન જાહેર કરી દીધું હતુ. ઓકલેન્ડમાં જ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ મળી આવ્યા હતા. જે બાદ સરકારે આ નિર્ણય લીધો છે. રવિવારે મોડી સાંજે પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને કેબિનેટ મંત્રીઓ સાથે એક તાકીદની બેઠક યોજી હતી. જેમાં ચર્ચા વિચારણા બાદ ઓકલેન્ડમાં 3 દિવસ માટે લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો હતો.
પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને કહ્યું હતુ કે, દેશમાં કોરોનાનો વધુ એક ખતરો દેખાય રહ્યો છે. તેથી દરેકે સાવધાની રાખવી જરૃરી બની છે. કોરોનાના નવા સ્ટ્રેન અંગે પુરતી જાણકારી નહીં મળે ત્યાં સુધી દરેક નાગરિકે સાવચેતી રાખવી પડશે. હાલમાં મળેલો વાયરસ અગાઉની સરખામણીમાં કેટલો ખતરનાક છે તે વિશે તબીબો અને સંશોધકો જાણકારી મેળવી રહ્યા છે.
દરમિયાન જાપાને રવિવારે તેની પ્રથમ કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી હતી. જાપાનીઝ સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું હતુ કે, હવે થોડા દિવસોમાં જ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવશે. જોકે, જાપાન વેકસીનેશન કરવામાં ઘણું પાછળ રહી ગયું છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 10.9 કરોડ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાંથી 8.11 કરોડ દર્દીઓ કોરોનાને પછડાટ આપી સાજા થયા છે. કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત અમેરિકામાં શનિવારે કોરોનાના વધુ 86,275 કેસ નોંધાયા હતા. જયારે 24 કલાકમા યુએસમાં 2,272 લોકોના મૃત્યું થયા હતા. ફ્રાંસમાં શનિવારે કોરોનાના 21,231 નવા કેસ સામે આવ્યા હતા. જયારે 199 લોકોના મૃત્યુ થયા હતા.