તાઉ તે વાવાઝોડાએ ભારતના અનેક રાજ્યોમાં વિનાશ વેર્યો છે. વાવાઝોડા સાથે જ કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના પ્રદેશમાં ભારે વરસાદથી ખેતીને નુકસાન થયું છે. હવે પશ્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડું ત્રાટકવાની આગાહી છે. દરમિયાન ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતા છે. 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બે દિવસ વરસાદ બાદ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. દક્ષિણ ગુજરાતમાં 26 અને 27મીએ વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદની ભીતિ છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. થન્ડર સ્ટોર્મની અસરને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા નવસારી વિસ્તારમાં સામાન્ય વરસાદનો વર્તારો છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉ. ગુજરાતમાં પણ 26થી 28 મે સુધીના ત્રણ દિવસો દરમિયાન વરસાદની પુરેપુરી સંભાવના છે. જયારે 27 અને 28 મે દરમિયાન દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં આ વખતે વરસાદ પડે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. ઉત્તર ગુજરાતમાં 26-28 મે સુધી કોઈ પણ દિવસે વરસાદ પડી શકે છે. તાઉ તે વાવાઝોડાના કેર બાદ વધુ એક વખત વરસાદની આગાહી થતાં ખેડૂતોને માથે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે. કારણ કે તાઉ તે ને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.