11મી માર્ચે ભારતમાં શિવરાત્રીના પર્વની ઉજવણી માટે તડામાર તૈયારી થઈ છે. જો કે, મોટા મેળા અને આયોજનોને મોટાભાગના મંદિરો પાસે મંજૂરી અપાઈ નથી. તેમ છતાં ધાર્મિક વિધિઓ અને પરંપરા જળવાઈ તેના પર કોઈ પ્રતિબંધ મુકાયો નથી. શિવરાત્રિ એ શિવ ઉપાસના કરવાનો ખાસ દિવસ છે. આ દિવસે પૂજા અર્ચના અને ભજનકિર્તન કરવાથી ભક્તને સારો લાભ થાય છે. મંદિરોમાં ઘીના કમળ અને બીલીપત્ર ચઢાવવા, અભિષેક કરવો તથા ભજન કિર્તન કરવા સાથે યજ્ઞ આદિ ધાર્મિક વિધિવિધાનો સંપન્ન થતા હોય છે. આ ઉપરાંત શિવરાત્રીના રોજ રાત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. જેમાં ચાર પ્રહરની ઉપાસના કરવાથી શિવજી જે તે ભક્ત પર પ્રસન્ન થતા હોય છે.
આ પૂજા સાંજથી બ્રહ્મમુહુર્ત સુધી કરી શકાય છે. આખી રાત દરમિયાન આ પૂજા કરી શકાય છે. મુખ્યત્વે જીવનના ચારે ભાગોને દર્શાવવામાં આવે છે. ધર્મ, અર્થ,મોક્ષ અને કામને લઇને વિશેષ નિયમ છે, જેના પાલન દ્વારા વિશેષ લાભ થાય છે. સામાન્ય રીતે આ પૂજા સંધ્યાકાળે કરાય છે. 11મી માર્ચે પણ પ્રદોષ કાળનો સમય સાંજે 06 થી 09.00 સુધી રહેશે. આ સમયે શિવજીને દૂધ અર્પણ કરાય છે. કેટલાક ભક્તો જળાભિષેકથી પણ શિવજીને પ્રસન્ન કરવા પ્રયાસો કરે છે. આ પ્રહરની પૂજામાં શિવ મંત્રના જાપ કરવાથી પણ લાભ થાય છે. બીજા પ્રહરની પૂજા રાત્રીથી શરૂ થાય છે. બીજા પ્રહરની પૂજાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ મળે છે. આ વખતે તેનો સમય રાત્રિના 09 થી 12 વાગ્યા દરમિયાન છે. આ પૂજામાં શિવજીને દહીં ચઢાવાય છે. ભક્તો જળથી ધારા કરી અભિષેક પણ કરે છે. બીજા પ્રહરમાં શિવ મંત્રનું ગાન કરવું જોઈએ.
12.00 થી 03.00 દરમિયાન કરાતી પૂજાને ત્રીજા પ્રહરમાં ગણવામાં આવે છે. જેમાં શિવને ઘી ચડાવવું અને તે બાદ શુદ્ધ જળથી અભિષેક કરવાની માન્યતા છે. ત્રીજા પ્રહરમાં શિવની પ્રશંસા કરવી જોઈએ. તેને ગમતી સ્તૃતિ ગાવી કે શ્લોક પઠન કરવું જોઈએ. આ સમયમાં શિવનું ધ્યાન ધરવાથી વિશેષ ફાયદો થાય છે. અંતે ચોથા પ્રહરની પૂજા રાત્રે 03.00 થી 06.00 દરમિયાન કરી શકાય છે. શિવને મધ ચડાવી શુદ્ધ જળથી અભિષેક કરીને શિવમંત્રનો જાપ અને સ્તુતી કરવી જોઈએ. આ ઉપાસનાથી ભક્તના પાપોનો નાશ થાય છે.