શુક્રવારે રાત્રે લગભગ 12.30 વાગ્યે ભરૂચમાં પટેલ વેલફેયર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ ફાટી નીકળતા અફરતફરી મચી ગઈ હતી. આઈસીયૂ વોર્ડમાં બનેલી આ ઘટનામાં દર્દીઓને બહાર નીકળવાનો સમય પણ ન મળતાં લગભગ 18 દર્દીના મોતની આશંકા છે. જયારે અન્ય 3ને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓની ટીમ અને ફાયરબ્રિગેડ ત્યાં પહોંચી ગઈ હતી. જે બાદ હોસ્પિટલમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યૂ શરુ કરાયું હતુ. ભરૂચમાં બનેલી ઘટના અંગે ખુદ મોદીએ નોંધ લઈને ટ્વિટ કરીને અસરગ્રસ્ત પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી હતી. મળતી વિગતો મુજબ ભરૂચમાં આવેલી પટેલ વેલફેયર હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે બનાવાયેલા વોર્ડમાં શુક્રવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગનુ ભયંકર સ્વરુપ થઈ જતાં તે આઈસીયૂ વોર્ડ સુધી પ્રસરી ગઈ હતી. હોસ્પિટલમાં ભીષણ આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જે બાદ ને કરાતા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં સુધીમાં 18 જેટલા કોરોના દર્દીઓ આગની ઝપેટે ચઢી ગયા હતા.
ICUમાં દાખલ તમામ દર્દી અને 2 સ્ટાફના મૃતદેહ આખેઆખા ભડથુ થઈ ગયા છે. તેમની ઓળખ પણ મુશ્કેલ બની રહી છે. તો બીજી તરફ, આખુ કોવિડ સેન્ટર બળીને ખાખ થઈ ગયું છે. સુત્રોના જણાવ્યા મુજબ ભરૂચની આ હોસ્પિટલમાં શુક્રવારે 100 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જયારે કોરોના વોર્ડમાં લગભગ 49 કોરોના દર્દીઓ દાખલ હતા, તેમાંથી 24 દર્દીઓ આઈસીયૂમાં હતા. આગનું કારણ શોર્ટસર્કિટ પણ હોઈ શકે છે. ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવાર પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને સંવેદના પ્રગટ કરી આ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના વારસને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી. ધારાસભ્ય દુષ્યંત પટેલે હોસ્પિટલમાં ઓક્સિજન લીક થતા આગ લાગી હોવાનું જણાવ્યું હતુ.
હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં 27 જેટલા દર્દીઓ હતા. આ ઘટનામાં 12 દર્દીઓ અને 2 સ્ટાફ સભ્યો સહિત 18 લોકોના મૃત્યુ થયા છે. જો કે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. ઘટના બાદ હોસ્પિટલના દર્દીઓને ભરૂચની સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, જંબુસર અલ મહેમૂદ સહિત ભરૂચની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચની ઘટના બાદ 2 સિનિયર IAS અધિકારીને ભરૂચ જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જેમાં શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ તથા કમિશનર મ્યુનિ. એડ.રાજકુમાર બેનીવાલને ઘટનાની ન્યાયિક તપાસ કરવા આદેશ અપાયો છે.