નવસારીમાં એક વ્યક્તિની હત્યાના ગુનામાં પોલીસે બે જણની ધરપકડ કરી હતી. પરંતુ વ્યક્તિ જીવતી પાછી ફર્યાનો વિચિત્ર ઘટના સામે આવી છે. સામાન્ય રીતે આ બધું ફિલ્મોમાં થતું હોય છે. 5 વર્ષ પહેલા નવસારીના વેસ્મા વિસ્તારમાં એક બિનવારસી લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ કરવામાં આવતા વ્યક્તિની ગળું દબાવીને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ લાશ મળી એ જ વખતે વેસ્મામાં એક બીજી ઘટના બની હતી.
રાત્રિના સમયે ખોરાક શોધવા કે અન્ય કોઈ કારણોસર નાગુલાલ ગાયરી નામનો શખ્સ એક ઘરમાં ઘૂસી ગયો હતો. લોકોએ બૂમાબૂમ કરતા નાગુલાલ ભાગી છુટ્યો હતો. બન્યું એવું કે જે બિનવારસી લાશ મળ્યાની ઘટના અને નાગુલાલની ઘટનાને જોડીને પોલીસે એવી થીયરી ઉભી કરી કે નાગુલાલ ઘરમાં ઘૂસ્યાની અદાવત રાખીને મદન સુખલા અને સુરેશ બાટેલાએ તેની હત્યા કરી નાખી હતી. પોલીસે પેલી બિનવારસી લાશ નાગુલાલની હોવાનું માનીને મદન અને સુરેશની ધરપકડ કરી કેસ કરી દીધો હતો. પોલીસે આવું એટલા માટે કર્યું કારણ કે જે બિનવારસી લાશ મળી એનો ચહેરો નાગુલાલ સાથે મળતો આવતો હોવાનું જણાયું હતું. પોલીસે એવી વાત રજૂ કરી કે મદન અને સુરેશે એક બાળકની મદદથી નાયલોનની દોરીથી નાગુલાલનું ગળું દબાવીને હત્યા કરી હતી.
વાત જો કે અહીં અટકતી પણ નથી. પોલીસે પેલી બિનવારસી લાશ નાગુલાલની હોવાનું કહીને તેના ભાઈને સુપરત કરી દીધી હતી. આ તરફ ભાઈએ પણ લાશ નાગુલાલની હોવાનું માનીને વતન મધ્ય પ્રદેશ લઈ જઈ ત્યાં અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. તેણે પોતાના સગાને જ્યારે નાગુલાલના મોતના સમાચાર આપ્યા તો સગાએ ઘટસ્ફોટ કર્યો કે નાગુલાલ જીવતો છે એ ઘણા દિવસથી મારા ઘરે રહે છે. બાદમાં નાગુલાલ એમપીમાં પોતાના વતન આવ્યો અને ત્યાંથી નવસારી પાછો ફર્યો હતો. નાગુલાલ જીવતો પાછો ફરતા પોલીસની પોલ ખુલી અને સમગ્ર કેસમાં અણધાર્યો ટ્વીસ્ટ આવ્યો હતો.
પોલીસે પોતાની ખામી સુધારવાનો હવે વારો હતો પરંતુ તેના બદલે નાગુલાલ જીવતો પાછો ફર્યો હોવા છતાં દાખલ કરેલી ચાર્જશીટમાં તેની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં અધિક સત્ર કોર્ટના ન્યાયાધીશ સારંગા વ્યાસે બન્ને આરોપી મદન અને સુરેશને દોષમુક્ત જાહેર કર્યા તથા બન્નેને 50-50 હજારનું વળતર ચૂકવવા તપાસ અધિકારી પ્રદીપસિંહ ગોહિલને આદેશ આપ્યો હતો.