વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. 5.30 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી રીવરફ્રન્ટ પરના બે મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ખાદી ઉત્સવ યોજાશે. રૂપિયા ૭૪ કરોડના ખર્ચે બનેલો એન્જિનિયરિંગ અજાયબી સમાન આ ફુટ ઓવર બ્રીજનું ઉદઘાટન પણ તેઓ કરશે. અમદાવાદને નવી ઓળખ આ બ્રિજના કારણે આજે મળશે જે શહેરીજનો માટે ખુલ્લો કરાશે.
– ૭૫૦૦ મહિલા કારીગરો એક જ સમયે એક સાથે ચરખો કાંતશે.
ખાદી ક્ષેત્ર સાથે જોડાયેલી ૭૫૦૦ મહિલા કારીગરો એક જ સમયે એક સાથે ચરખો કાંતશે. એક જ સમયે આટલી મોટી સંખ્યામાં ચરખા કાંતવામાં આવે અને એ પણ મહિલાઓ દ્વારા એવી વિરલ ધટના સાબરમતીના કાંઠે યોજાનાર છે. વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે ખાદી ઉત્સવ કાર્યક્રમ યોજાશે. વિશ્વમાં સૌપ્રથમવાર આ પ્રકારનો કાર્યક્રમ યોજાશે જેમાં ખાદી ગ્રામોદ્યોગસાથે સંકળાયેલ ૭૫૦૦ મહિલા કારીગરો એકસાથે ચરખો કાંતશે અને આ કાર્યક્રમથી ખાદી અને તેને સંબંધિત ગામોદ્યોગને પ્રોત્સાહન મળશે.
– એન્જિનિયરિંગ અજાયબી સમાન આ ફુટ ઓવર બ્રીજ
રૂપિયા ૭૪ કરોડના ખર્ચે બનેલો એન્જિનિયરિંગ અજાયબી સમાન આ ફુટ ઓવર બ્રીજ અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે. આઇકોનિક ફૂટ ઓવરબ્રીજને લઈને શહેરીજનોમાં છેલ્લા ઘણા સમયથી અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીનાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે નિર્માણ પામેલ આ આઇકોનિક પેડેસ્ટ્રીયન બ્રિજ સાયકલિસ્ટને એક છેડેથી બીજા છેડે કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે. આ બે કાર્યક્રમો આજે યોજાશે. ત્યાર બાદ વડાપ્રધાનનો બીજા દિવસે કચ્છ ખાતેનો મહત્વનો કાર્યક્રમ યોજવામાં આવશે જ્યાં તેઓ સરહદ ડેરી સહીતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે આ સાથે લોકોને સંબોધન પણ કરશે.