આઝાદ ભારતના ઈતિહાસમાં સામૂહિક હત્યાકાંડ સર્જનાર મહિલાને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આ કેસમાં આરોપીની દયાની યાચિકા પણ ખારીદ થઈ ચુકી છે. તેથી આરોપીને ફાંસની સજા આપવા કવાયત ચાલી રહી છે. અમરોહામાં બનેલી આ ઘટનામાં પોતાના 8મી પાસ પ્રેમીના પ્રેમમાં પાગલ યુવતીએ પોતાના માતા-પિતા, ભાઈ-બહેન સહિત 7 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. પ્રેમી સાથે લગ્ન કરાવવા પરિવારે મંજૂરી ન આપતા આ હત્યા કાંડ સર્જાયો હતો. અમરોહાના બાબનખેડી ગામની વતની શબનમે 15 એપ્રિલ 2008ના રોજ પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પોતાના પિતા શૌકતઅલી, માતા હાશમી, ભાઈ, ભાભી અને ભત્રીજા સહિત કુટુંબના જ સાત વ્યક્તિની હત્યા કરી હતી. તેમણે કુંટુંબીજનોને દવા આપીને પહેલાં મૂર્છિત કરી દીધા બાદ છ વ્યક્તિને કુહાડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારાયા હતા. આ સમયે 10 મહિનાના ભત્રીજાનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ કેસની તપાસમાં બહાર આવ્યું હતુ કે, ઘટના સમયે શબનમ ગર્ભવતી હતી. પરંતુ કુટુંબીજનો સલીમ સાથે તેના લગ્ન માટે તૈયાર નહોતા. તેને કારણે શબનમ અને પ્રેમીએ સાથે મળીને કુટુંબની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેલમાં ગયા પછી શબનમે 14 ડિસેમ્બર 2008ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રને શબનમે જેલમાં જ ઉછેર્યો હતો. સાત વર્ષની ઉંમર થતા શબનમે પોતાના પુત્રને પોતાના એક કોલેજકાળના મિત્રને દત્તક આપી દીધો હતો. શબનમનો પુત્ર ઘણી વખત પોતાની માતા શબનમને મળવા જેલમાં આવે છે. 15 જુલાઈ 2015માં તેનો પુત્ર જેલમાંથી બહાર આવ્યો હતો. શબનમે મિત્ર ઉસ્માનને પુત્રની સોંપણી કરતા પુત્રને કદી તેના ગામમાં ના લઈ જાય અને પુત્રનું નામ બદલી નાખે તેવી શરત મુકી હતી. હવે સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા બરકરાર રાખ્યા બાદ રાષ્ટ્પતિએ પણ દયાની અરજી નકારી કાઢી છે. મથુરાની જેલમાં 150 વર્ષ પહેલાં મહિલા ફાંસીઘર બનાવાયું હતું. પરંતુ આઝાદી પછી કોઈ પણ મહિલાને ફાંસી અપાઈ નથી. શબનમને હજી સુધી ફાંસી આપવા માટે તારીખ નક્કી થઈ નથી, પરંતુ જેલપ્રશાસને તૈયારી શરૂ કરી છે. ડેથ વોરંટ ઇશ્યુ થતાંની સાથે જ શબનમને ફાંસી આપવામાં આવશે. જો આમ થયું તો આઝાદી બાદ શબનમ પહેલી મહિલા કેદી હશે જેને ફાંસી આપવામાં આવશે.