અમદાવાદ, સુરત સહિત ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૫૭૫ બેઠકોની ચૂંટણીમાં ૫૨,૮૩,૪૦૯ નાગરિકોએ મતદાન કર્યું છે. રવિવારે મોડી રાતે સીલ કરાયેલા ૧૩,૯૪૬ EVMમાં મતગણતરી મંગળવારે સવારથી ચાલુ કરાઈ છે. બપોર કે સાંજ સુધીમાં તમામ ગણતરી પુરી થવાનો ટાર્ગેટ રખાયો છે. જો કે, તેમ છતાં અનેક સ્થળે આ ગણતરી રાત સુધી ચાલે તેવા સંજોગો છે. કોરોના મહામારીને કારણે આ વખતે મતગણતરીની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી ૬ કોર્પોરેશનમાં મતગણતરી ધીમે ધીમે ચાલશે. ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ કોવિડ- ૧૯ની માર્ગદર્શિકાનો અમલ થઈ રહ્યો હોવાથી પોસ્ટલ સર્વિસ બેલેટ પેપરની ગણતરી માટે કાઉન્ટિંગ સેન્ટરમાં અલાયદી વ્યવસ્થા થઈ છે. જે EVM યુનિટના ગણતરી કાઉન્ટરને બદલે અલગ ઓરડામાં થશે. સવારે આઠ કલાકે પોસ્ટલ સર્વિસની ગણતરી શરૂ થયાના ૩૦ મિનિટે સોસિયલ ડિસ્ટન્સ જાળવીને વોર્ડ વાઈઝ EVM આધારિત મતગણના થશે.
રાજ્યમાં સૌથી પહેલા ભાવનગરનું અને સૌથી છેલ્લુ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. કોરોનાને કારણે પહેલી વખત કાઉન્ટિંગ સેન્ટરમાં ભીડ ટાળવા ઉમેદવારો અને તેમના એજન્ટોને પ્રવેશ માટે સમય નક્કી કરાયો છે. ઉલ્લેખનીય છે કે, 28મીએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાવાની છે. જેથી પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચુંટણીની મતગણતરી એક જ દિવસે કરવાની માગ સાથે કોંગ્રેસે સુપ્રિમમાં અરજી કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સાથે જ ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો હતો. જેને કારણે મંગળવારે સવારથી નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે મતગણતરી શરૃ થયાના અહેવાલો છે. પ્રાથમિક રુઝાનમાં તમામ 6 મનપામાં ભાજપ તરફી ઝોક રહ્યાનું પણ જાણવા મળ્યું છે જો કે, સ્થિતિ બપોર સુધીમાં સ્પષ્ટ થાય તેમ છે.