ભારતના બે રાજ્યોમાં કોરોના વાયરસ ફરી ઝડપભેર આગળ વધી રહ્યો છે. બુધવારે ભારતમાં કોરોના સંક્રમણના ૧૧,૬૧૦ નવા કેસ નોંધાયા હતા. જેમાંથી ૬૦ ટકા કેસ મહારાષ્ટ્ર અને કેરળમાં જ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં બુધવારે ૩,૬૬૩ અને કેરળમાં ૪,૯૩૭ નવા કેસ કોરોના પોઝિટિવ તરીકે નોંધાયા હતા. જયારે ભારતમાં કુલ ૧૦૦ દર્દીઓના મોત થયા હતા. જેમાંથી એકલા મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૯ અને કેરળમાં ૧૮ મોત નોંધાયા હતા. સુત્રોના જણાવ્યા મુજબ મુંબઇના પાંચ વોર્ડમાં કોરોનાના કેસમાં ૫૦ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં ભારતના ૧૮ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મોત નોંધાયું નથી. જયારે બાકીના ૬ રાજ્યોમાં ૨૪ કલાકમાં ૧૦૦ મોત નોંધાયાં હતાં. બુધવારે દેશમાં ૧૧,૬૧૦ નવા કેસ મળ્યા હતા. બીએમસીએ ૫૫૦ હાઉસિંગ સોસાયટીની ૧૦,૦૦૦ કરતાં વધુ મકાનો સીલ કરવા ચીમકી આપી છે. આ સાથે જ સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાઈ છે. મુંબઇના મેયર કિશોરી પેડણેકરે બુધવારે જ ભાયખલ્લાથી સીએસએમટી સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા તથા બજારમાં ભીડમાં રહેનારા લોકોને માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના સરેરાશ ૩,૦૦૦થી વધુ નવા કેસ દરરોજ નોંધાઈ રહ્યા છે. એકલા મુંબઇમાં દરરોજ સરેરાશ ૬૦૦-૭૦૦ કોરોનાના કેસ નવા આવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં મુંબઇમાં ૧૦,૦૦૦ કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. તેથી બીએમસી હવે ગંભીર બન્યું છે. તે હવે આગામી ૧૦ દિવસમાં આકરાં પગલાં લેવા ગંભીરતાથી વિચારી રહ્યું છે.