26મી જાન્યુઆરી 2021ના રોજ દિલ્હીમાં યોજનારા ગણતંત્ર દિવસ માટે સરકારે અત્યારથી જ તૈયારી શરૃ કરી દીધી છે. ગણતંત્ર દિવસે પીએમનું સંબોધન, પરેડ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. તેથી તેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં સૈન્યના જવાનો પણ દિલ્હી પહોંચ્યા છે. જેમાંથી 150 સૈનિકો કોરોનાથી સંક્રમિત હોવાની પૃષ્ટિ થઈ છે. સેફ બબલમાં મોકલતા પહેલા આ તમામ જવાનોના સેમ્પલ લેવાયા હતા. જેના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં 150 સેમ્પલ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. રીપોર્ટ અનુસાર એ તમામ એસિમ્ટોમેટિક છે. કોરોનાના કેસ મળ્યા બાદ હરકતમાં આવેલા પ્રશાસને પોઝિટિવ મળેલા જવાનોને દિલ્હી છાવણીમાં ક્વોરેન્ટાઈન કરી દીધા છે. હવેથી સુરક્ષા અંગે વિચારણા કરીને પરેડનું આયોજન કરવામાં આવશે. આ માટે કેટલાક જરૂરી પ્રોટોકોલ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. દર વર્ષે ડિસેમ્બરમાં હજારો જવાનો પરેડ માટે દિલ્હી આવી જતા હોય છે. ગણતંત્ર દિવસ અને સેના દિવસે થનારી પરેડમાં મોટી સંખ્યામાં જવાનો ભાગે લે છે. કોરોના વાયરસની મહામારીના આ સમયમાં પણ 26 જાન્યુઆરીએ પરેડ યોજવા તૈયારી થઈ રહી છે.
ભારતે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનને ગણતંત્ર દિવસ 2021 કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે આવવા માટે આમંત્રણ આપ્યું છે. જો કે, બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. તેથી બોરિસ જોનસનની ભારત યાત્રા યોજવા અંગે સંશય ઉભો થયો છે. જો કે, વિદેશ મંત્રાલયે આ વાતની ખાતરી કરી છે કે, બ્રીટીશ પીએમ ભારતમાં મહેમાન બનશે. ગણતંત્ર દિવસની ઉજવણી સમયે 27 વર્ષ પછી કોઈ બ્રિટિશ વડાપ્રધાન દેશના મહેમાન બની રહ્યા છે. આ પહેલા વર્ષ 1993માં બ્રિટિશ વડાપ્રધાન જોન મેજરે ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં યોજાતી પરેડમાં ખાસ હાજરી આપી હતી. જોનસન વડાપ્રધાન પદે આવ્યા બાદ એમની આ પહેલી મોટી વિદેશ યાત્રા હશે. તેથી મોદી સરકાર તે માટે પણ તૈયારી કરી રહી છે. ભારત યાત્રાને લઈને બોરિસે જણાવ્યું હતું કે, આવતા વર્ષની શરૂઆતમાં ભારત યાત્રાને લઈને હું ખૂબ ખુશ છું. 26 જાન્યુઆરી 2020ના રોજ ભારતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોને મુખ્ય અતિથિ પદે આમંત્રિત કર્યા હતા.