અમદાવાદમાં રથયાત્રાનું અનેરૂં મહત્વ છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. જો કે ગયા વર્ષે કોરોનાને કારણે યાત્રા ફક્ત મંદિર પરિસરમાં જ યોજાઇ હતી, જ્યારે આ વર્ષે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. વિશઅવ હિન્દુ પરિસદે રથયાત્રા યોજવા માટે હાકલ કરી છે. પરંતુ સરકારે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં એ માટે સમજીને જવાબદારીપૂર્વક નિર્ણય કરવાનો હોય છે, તેને કારણે હજુ એ નિર્ણય થયો નથી. પરંતુ રથયાત્રા યોજાય એ પહેલાં મંદિર બહાર ગજરાજા જોવા મળતા હોય છે. આ વખતે પણ મંદિર બહાર ગજરાજા ભક્તોને આશીર્વાદ આપતા નજરે પડે છે, ત્યારે કોરોનાના કેસ ઘટતાં રથયાત્રા યોજાય એવી આશા ભક્તો રાખી રહ્યો છે.
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા અંગે તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલાં લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. ગયા વર્ષે તો કોરોનાની પહેલી લહેર વખતે ઘણા નિયંત્રણો હતા, તેને કારણે લોકોની હાજરી ખાસ ન હતી. પરંતુ આ વખતે હવે જ્યારે નિયંત્રણો હળવા કરાયા છે, ત્યારે લોકો મંદિરે આવતા થયા છે. સાથે સાથે રથયાત્રાની તૈયારીના પ્રારંભે ગજરાજાનું આગમન મહત્વનું હોય છે. તેમનું આગમન થઇ ગયું છે. લોકો તેમના આશીર્વાદ લેતા નજરે પડી રહ્યા છે. એ સાથે જ રથયાત્રા યોજાશે એવી આશા જાગી છે. એમ કહેવાય છે કે રથયાત્રા યોજવા માટે ખાસ એક્સન પ્લાન બનાવાયો છે. એ એક્સન પ્લાનને મંજુરી પણ મળી ગઇ છે. જો કે આ વખતે પણ સામાન્ય સ્થિતિમાં રથયાત્રા યોજાતી એવું નહીં હોય, અખાડા અને ટ્રકને પરવાનગી મળશે કે કેમ એ આશંકા છે. સામાન્ય લોકો પણ દૂરથી જ દર્શન કરી શકે એવી સુવિધા કરાય એ બનવાજોગ છે.
રથયાત્રામાં હાથીઓ સૌ પહેલા મંદિરમાંથી બહાર નીકળે છે, એ બાદ ભગવાનનો રથ નીકળતો હોય છે. શહેરમાં ઘણા ખરા પ્રાણીઓ જોવા મળતા નથી. હાથીઓ પણ ભાગ્યે જ જોવા મળતા હોય છે. આ સંજોગોમાં રથયાત્રામાં જોવા મળતા હાથીઓ તમામ લોકોના આકર્ષણનું કેન્દ્ર મનાય છે. લોકો રથયાત્રા દરમ્યાન હાથીઓને ખાસ લાડ લડાવતા હોય છે. ફળ અને બીજું ભોજન પણ તેમને આપતા હોય છે. રથયાત્રામાં પંદર સોળ હાથીઓ જોડાતા હોય છે.
સામાન્ય રીતે આ હાથીઓ ગુજરાત બહારથી લાવવામાં આવતા હોય છે. તેમની સાથે તેમના મહાવત તથા બીજા સહાયકો પણ આવતા હોય છે. હાથીઓ સાથે મહાવતો આવી ગયા છે, ત્યારે એવી આશા જાગે છે કે રથયાત્રા નીકળશે. સરકારની સત્તાવાર જાહેરાત હજુ થઇ નથી, ત્યારે તેની રાહ જોવાઇ રહી છે. બીજી તરફ રથયાત્રા કાઢવા માટે તમામ તૈયારીઓ શરૂ થઇ રહી છે. અષાઢી બીજે રથયાત્રા નીકળતી હોય છે.