બોલીવુડ જગતના મોટા કલાકાર અને સામાજિક સેવાના કાર્યોમાં સદા અગ્રેસર રહેતા સોનૂ સૂદનુ હાલ અનોખી રીતે સન્માન થયું છે. આ અભિનેતાએ લોકડાઉનના સમયમાં પ્રવાસી મજૂરો અને ગરીબો માટે ખાસ મદદ કરી હતી. સેંકડો લોકોને લોકડાઉનના સમયમાં ભોજન આપ્યું હતુ તો અનેકને તેમના વતન સુધી પહોંચાડવામાં સૌનુ સુદે અહમ ભૂમિકા ભજવી હતી.
જો કે, તેઓ કાયમ માટે સામાજિક સેવાના કાર્યો કરતા રહે છે. ગરીબ લોકો, જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓને વહારે આવતા સોનુ સુદ આરોગ્યની સુવિધા માટે પણ લોકોને મદદ કરતા રહ્યા છે. તેમના આ કાર્યોની નોંધ ખાસ કરીને સોશિયલ મીડિયામાં લેવાઈ રહી છે. બોલીવુડના સોનુ સુદ હવે સામાજિક કાર્યકર તરીકે પણ જાણીતા થઈ ગયા છે.
દરમિયાનમાં એરલાઈન્સ સ્પાઈસ જેટે સોનૂ સૂદનો ખાસ રીતે આભાર વ્યક્ત કર્યો છે. જેના ફોટો ઈન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહ્યા છે. સ્પાઈસજેટે પોતાના વિમાન ઉપર સોનૂ સૂદનો ફોટો મુક્યો છે. જેના થકી સ્પાઈસ જેટે એમ દર્શાવવા પ્રયાસ કર્યો છે કે, કોરોનાની મહામારીના સમયમાં દેશમાં લોકડાઉન લાગુ હતુ તેવા મુશ્કેલીના સમયમાં સોનૂ સૂદે લોકોની મદદ કરી હતી. આ સાથે વિમાન પર લખ્યું છે કે, ‘A Salute To The Savior Sonu Sood’. આ ફોટોને સોનૂ સૂદે ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે જ તેમણે નોંધ્યું છે કે, આ ઘટનાએ મને પંજાબના મોગાથી મુંબઈની યાત્રાની યાદ અપાવી દીધી છે. સૂદનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ચર્ચામા છે. તેમના ચાહકો આ વિશે ટીપ્પણી કરીને સુદની પ્રશંસા કરી રહ્યા છે. એક ચાહકે તો તેની ટીપ્પણીમાં સોનૂ સુદને મહાન ગણાવીને તેમને ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં જોવાની ઈચ્છા કરી છે. અન્ય એક ચાહકે ટ્વીટર પર લખ્યુ છે કે, પૈસા કોઈ પણ સાથે લઈને સ્વર્ગમાં જતુ નથી. પૈસાનો સાચો ઉપયોગ ક્યાં થવો જોઈએ તે સોનુ સુદ પાસેથી સૌએ શીખવું જોઈએ.