ભારત દેશ આઝાદ થયા બાદ સરકારમાં પહેલી વખત સહકારિતા મંત્રાલય બનાવાયું છે. 2019માં બીજી વખત જીત મેળવ્યા બાદ સત્તા પર આવેલા મોદીએ મોડે મોડે અને કદાચ કમને મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલ કર્યા છે. જેમાં આ વખતે નવું સહકારિતા મંત્રાલયની રચના કરાઈ છે. આ નવા મંત્રાલયની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહને સોંપીને તેમને સહકારિતા મંત્રાલયના મંત્રી બનાવાયા છે. આ મંત્રાલય નવુ હોવાથી હવે તેના કામ અંગે કયાસ કાઢવામાં આવી રહ્યા છે. જયારે સરકારી સૂત્રોના મતે આ નવું મંત્રાલય સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરશે.
સરકાર ઈચ્છે છે કે લોકો સાથે મળીને સંસ્થાઓની રચના કરે જે તેમના તથા દેશના વિકાસના લક્ષ્ય સાથે આગળ ધપે. અત્યાર સુધી બેન્કિંગ, ખેતી, સુગર મિલ, ડેરી ફાર્મિંગ વગેરે સેકટરમાં સહકારી મંડળીઓ કામ કરી રહી છે. દેશમાં હાલ લગભગ 1,94,195 કો ઓપરેટિવ ડેરી સોસાયટી અને 330 સુગર મિલ એસોસિયેશન છે. આ ઉપરાંત દરેક રાજ્યમાં અનેક સહકારી બેંક છે.
હવે નવા મંત્રાલયની રચનાથી દેશમાં સહકારિતાને મજબૂત કરવા માટે આ મંત્રાલયના માધ્યમથી એક અલગ પ્રશાસનિક, કાનૂની અને નીતિગત માળખું પ્રદાન થશે.
આ મંત્રાલયના માધ્યમથી સરકાર દેશના સહકારી વિભાગ સુધી પહોંચવા પણ માંગે છે. જેથી સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં વધુ સરળતા રહે. આ સાથે જ સહકારી મંડળીઓના માધ્યમથી કારોબાર સરળ બનાવવાની સરકારની નેમ છે. ગ્રામીણ ક્ષેત્રમાં ખેડૂતો દ્વારા અનેક પ્રાઈમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીનું ગઠન કરાયું છે. આ સોસાયટીઓ ખેડૂતોને લોન આપે છે જેના માટે જિલ્લા સહકારી બેંક અને રાજ્ય સહકારી બેંક બનાવાઈ છે.
નાબાર્ડના વાર્ષિક રિપોર્ટમાં વર્ષ 2019-20માં દેશમાં 95,238 પ્રાઈમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટી, 363 જિલ્લા સહકારી બેંક અને 33 રાજ્ય સહકારી બેંક કાર્યરત હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત શહેરી સહકારી બેંક પણ છે જે શહેરોમાં ઓછી આવકના લોકોને લોન આપી રહી છે. 2019-20માં દેશમાં 1539 શહેરી સહકારી બેંક હતી. કૃષિની જેમ જ સહકારિતાને સંવિધાનની સમવર્તી લિસ્ટમાં સામેલ કરાઈ છે.