આજે દેશના આઠ રાજ્યોના રાજ્યપાલ તરીકે નવી નિયુક્તિ થઇ છે. કર્ણાટકના રાજ્યપાલ તરીકે વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂરો થતાં તેઓ વતન પાછા ફરશે, જ્યારે નવસારીના પૂર્વ ધારાસભ્ય મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય કયા રાજ્યના રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ થઇ છે, તે જાણીએ. કર્ણાટકના રાજ્યપાલ તરીકે સાત વર્ષ સુધી વજુભાઇ વાળા હતા. હવે તેમનો કાર્યકાળ પૂરો થતાં તેમના સ્થાને કર્ણાટકના રાજ્યપાલ તરીકે કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોતની નિયુક્તિ થઇ છે. એ ઉપરાંત હરિયાણાના રાજ્યપાલ તરીકે બાંગારૂ દત્તાત્રેયની પસંદગી થઇ છે. રમેશ બૈસને ઝારખંડના નવા રાજ્યપાલ બનાવાયા છે, જ્યારે સત્યદેવ નારાયણને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સંભાળતા હતા. હવે મધ્યપ્રદેશને સ્વતંત્ર રાજ્યપાલ મળશે. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નવસારી અને ગણદેવીના પૂર્વ ધારાસભ્ય મંગુભાઇ પટેલની નિયુક્તિ થઇ છે. એ ઉપરાંત ગોવાના રાજ્યપાલ તરીકે પી.એસ.શ્રીધરન પિલ્લાઇની નિયુક્તિ થઇ છે. હરીબાબુ મિઝોરમના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળશે. ઉપરાંત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે રાજનાથ વિશ્વનાથની નિયુક્તિ કરાઇ છે.