નહેલે પે ડહેલા જેવો ખેલ પડ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવાર તા. 5 જુને સ્પીકરે ભારતીય જનતા પાર્ટીના 12 વિધાનસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તમામ વિધાનસભ્યો પર ગૃહમાં હંગામો મચાવવાનો આરોપ લગાવાયો છે. ભાજપના જે 12 વિધાનસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા છે, તેમાં સંજય કુટે, આશીષ શેલાર, અતુલ ભાતખલકર, પરાગ અલવાની, વિજયકુમાર રાવત, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, હરીશ પિંપલે, રામ સાતપુતે, યોગેશ સાગર, નારાયણ કુચે, કીર્તિ કુમાર બંગડિયા સામેલ છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર આજે અફરાતફરી સાથે શરૂ થયું છે. ગૃહમાં અધ્યક્ષને ગાળ દેવાના આરોપમાં ભાજપના 12 સભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ આરોપ જુઠ્ઠો હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. ફડણવીસે મીડિયાને જણાવ્યું હતું કે, આ આરોપ જુઠ્ઠા છે. એક વાર્તા ઘડી કાઢવામાં આવી છે. ભાજપના કોઇ વિધાનસભ્યે ગાળ દીધી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઓબીસી અનામત માટે અમે 12 થી વધુ વિધાનસભ્યોને ત્યાગવા માટે તૈયાર છે.
યાદ રહે કે વિધાનસભામાં આજે વિપક્ષે ઓબીસીના મુદ્દે ભારે હંગામો મચાવ્યો હતો. એ દરમ્યાન આરોપ એવો લગાવાયો કે અધ્યક્ષ ભાસ્કર જાદવે તેમને બોલવા માટે પૂરતો સમય આપ્યો નથી. ગૃહની કામગીરી સ્થગિત કર્યા બાદ ગરમાટો વધી ગયો હતો. સ્પીકર જાધવે મીડિયાને જણાવ્યું હતું કે, વિપક્ષ નેતા મારી કેબિનમાં આવ્યા અને દેવેન્દ્ર ફડણવીસ તથા વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલ સમક્ષ અસંસદીય ભાષાનો ઉપયોગ કરતા મને ગાળ દીધી. કેટલાક નેતાઓએ મારી સાથે મારપીટ પણ કરી. વિપક્ષના આરોપ છે કે સ્પીકરે તેમને મળવા ગયેલા નેતાઓને ગાળો પણ દીધી હતી. જાધવે રાજ્યના સંસદીય કાર્ય મંત્રીને આ મુદ્દાની તપાસ કરવા કહ્યું છે. એ બાદ 12 વિધાનસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
ભાજપના વિધાનસભ્ય આશીષ શેલારે કહ્યું કે, આ તો ઠાકરે સરકાર તાલિબાનની જેમ કામ કરી રહી છે. હું આ કાર્યવાહીની ટીકા કરૂં છું. મેં કે મારા પક્ષના અન્ય કોઇ પણ વિધાનસભ્યે જાધવને ગાળ દીધી છે. ભાજપના કોઇ પણ સભ્યે કેબિનમાં અપશબ્દનો ઉપયોગ કર્યો નથી. મેં તો તેમની માફી પણ માંગી લીધી, પરંતુ તેમણે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.