મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ છેલ્લા કેટલાક વખતથી વિવાદમાં આવ્યો છે. વિપુલ ચૌધરીએ ઉત્પાદકોને મિલ્ક પાઉડરના નામે 456 કરોડના ખાડામાં ઉતારી દીધા બાદ હવે એક નવો જ વિવાદ પેદા થયો છે. વિપુલ ચૌધરીએ રાજસ્થાનના ઠેકેદારોને લાભ અપાવવા માટે આરોગ્ય વીમાનો પણ લાભ આપ્યો છે, જ્યારે સંઘના કેન્દ્રમાં રહેલા દૂધ ઉત્પાદકોને કોઇ જ લાભ આપવાનું તેમને સૂઝ્યું ન હતું.
મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના નાણાંમાંથી જો કોઇને લાભ આપવો જ હોય તો તે લાભ સંઘના ઉત્પાદકો તથા સભાસદોને જ પહેલો મળવો જોઇએ. તેને બદલે રાજસ્થાનના ઠેકેદારોને સીધો ફાયદો કરાવવાનું કામ અહીં થયું છે. ઓગષ્ટ 2019માં મેડી ક્લેમની મુજત પૂરી થઇ જવામાં જ છે, ત્યારે રાજસ્થાનના ઠેકેદારોને વીમા યોજનાનો લાભ ફરી આપવામાં આવ્યો હતો,
મહેસાણાના દૂધ ઉત્પાદકોને કોઇ આ પ્રકારની યોજનાનો લાભ આપવાનું સંચાલકોને સૂઝ્યું ન હતું, ત્યારે રાજસ્થાનના ઠેકેદારોને આ લાભ આપવા માટે વિપુલ ચૌધરી કેમ તલપાપડ થઇ ગયા એ કહેવું મુશ્કેલ છે. પરંતુ કોઇ લાભ વિના કોઇ મહેરબાન થતું જ નથી, એ આજના સમયનું કડવું સત્ય છે. મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને કોઇ લાભ આપવામાં આવ્યો ન હતો, તેને બદલે રાજસ્થાનના ઠેકેદારોમાં પ્લાન્ટ ઇન્ચાર્જ, સીએસ ઇન્ચાર્જ વગેરેને વીમા યોજનાનો લાભ અપાયો છે.
યાદ રહે કે દૂધ સાગર ડેરીના ચેરમેન આશાબેને ઓક્ટોબર 2019માં જ અમૂલ ફેડરેશનના ચેરમેનને પત્ર લખીને એવી રાવ કરી હતી કે, દિલ્હી નજીકની માનેસરમાં આવેલી દૂધ માનસાગર ડેરી અને ધારૂહેડા ખાતે આવેલી દૂધ મોતી સાગર ડેરીની ક્ષમતા દરરોજની 25 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવાની ક્ષમતા હોવા છતાં તેનો પૂર્ણ ઉપયોગ કરવામાં આવતો નથી. તેને બદલે ખાનગી ડેરીઓમાં દરરોજ 10 લાખ લીટર કરતાં વધુ દૂધનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે. દૂધ મોતીસાગર ડેરીનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે દિલ્હીના બજારમાં મહેસાણા ડેરીનું દરરોજ 14 લાખ લીટર દૂધનું વેચાણ હતું, જે ઘટાડીને 9 લાખ લીટર કરી દેવાયું છે. મતલબ કે જે લાભ દૂધ મોતીસાગર અને દૂધ માનસાગર ડેરીને મળવો જોઇએ, તેને ગેરલાભ કરાવીને ખાનગી ડેરીને લાભ કરાવાયાનો આક્ષેપ કરાયો હતો. એ વખતે જ કોઇ પગલાં ભરાયા હોત તો મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં અત્યારે જે વિવાદ ચાલે છે, તે વિવાદ વહેલો નજરમાં આવી ગયો હોત.