કચ્છના ભચાઉ તાલુકાના વોંધ ગામ નજીક બુધવારે રાત્રે એક ટ્રકનો ચાલક ટ્રકમા ભરેલી ખાંડ રસ્તા પર જ ઠાલવીને છૂમંતર થઈ ગયો હતો. જે બાદ વહેલી સવારે ખાંડની લૂંટાલૂંટ થઈ ગઈ હતી. ગરીબ અને મધ્યમ પરિવારનાં લોકો આ ખાંડ લેવા હાઈવે પર દોડાદોડ કરતા નજરે પડ્યા હતા. ખાંડનો જથ્થો લોકો ઘરભેગો કરી ગયા ત્યાં સુધી કોઈ ત્યાં ફરક્યું ન હતું, સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના વોંઘ પાસે હાઈવે પર બુધવારે આશિષ હોટલ પાસે ખાંડનો મોટો જથ્થો હોટલ સામેનાં મેદાનમાં કોઈક ટ્રક ચાલક ઠાલવીને ચાલ્યો ગયો હતો. ટ્રક મેદાનમાં જથ્થો ઠાલવી રહી હતી ત્યારે હોટલસંચાલકો, તેના કર્મચારીઓને તેમજ હાઈવે પરથી પસાર થતાં લોકોને કાંઈ સમજાયું ન હતુ. બધાને જ ટ્ક ચાલકને કોઈ સમસ્યા નડતા તે માલ ખાલી કરી રહ્યો હોવાનું સમજાયું હતુ. જો કે, તે પછી ટ્રક ચાલક અડધી રાતે જ મેદાન પર ખાંડનો જથ્થો છોડીને રફુચક્કર થઈ ગયો હતો.
જયારે ખાંડનો જથ્થો બિનવારસી હોવાની જાણ થઈ કે તરત જ સેંકડો લોકો વાસણો થેલી લઈને મેદાન પાસે ધસી આવ્યા હતા. જે બાદ સૌએ ખાંડને થેલી કે વાસણોમાં ભરી રીતસર લૂંટાલૂંટ કરી હતી. હવે આ ખાંડનો જથ્થો કયાંથી આવ્યો ? અને કોણ ઠાલવી ગયું ? અને ક્યા કારણોસર મેદાનમાં આટલો મોટો જથ્થો ઠાલવી દેવાયો ? તે અંગે અટકળો ચાલી રહી છે. પ્રશાસન અને પોલીસે પણ હજી સુધી આ બાબતની નોંધ લીધી નથી.