આજકાલ એક તરફ દિલ્હીના સિમાડે પંજાબ અને હરિયાણાના ખેડૂતોની સાથે દેશના કેટલાક વિસ્તારના ખેડૂતો વિરોધ પ્રદર્શન યોજતા બેઠા છે. આ ખેડૂતો મોદી સરકાર દ્વારા બનેલા નવા ત્રણ કૃષિ કાયદા સામે વાંધો છે અને એ રદ કરવાની માંગ સાથે એક મહિના કરતાં વધુ સમયથી દિલ્હીના સિમાડે શાંત પ્રદર્શન કરતા બેઠાં છે. એવા સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમના સંસદિય મત વિસ્તાર વાયનાડની મુલાકાતે છે. સ્વાભાવિક છે કે આ વર્ષે એપ્રિલ- મેમાં દક્ષિણના રાજ્યોમાં ચૂંટણીની મોસમ શરૂ થવાની છે, ત્યારે તેઓ સંસદિય વિસ્તારની મુલાકાત સાથે કોંગ્રેસને ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે. અત્યારે ખેડૂતોના વિરોધ પ્રદર્શન એક મોટો મુદ્દો છે. ખેડૂતો નવા બનેલા કૃષિ કાયદા સામે દિલ્હીના સિમાડે વિરોધ પ્રદર્શન કરતાં રસ્તા બંધ કરીને બેઠા છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો એક મહિનાથી સાવ શાંત અને એક રહીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
દરમ્યાન તેઓ સારી સારી ચીજો ખાઇ રહ્યા છે, એવા હેવાલ આવતા રહ્યા છે. વિરોધ પ્રદર્શનમાં ખાલિસ્તાનીઓ જોડાયા છે, એવા હેવાલો પણ આવતા રહ્યા છે. જો કે વિરોધીઓ કહે છે કે આ તમામ અપપ્રચાર આંદોલનને તોડી પાડવા માડે છે. ખેર, સત્ય શું છે, તે કહેવું શક્ય નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ખેડૂતો તેમનું આંદોલન શાંતિથી કરતા રહ્યા છે. દરમ્યાન 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમ્યાન થોડી હિંસા થઇ અને ફરી વખત ખેડૂતોનું આંદોલન તુટે એવી સ્થિતિમાં છે. છતાં અત્યારે તો એમ લાગે છે કે ખેડૂતો સરકાર પાસે ત્રણે કૃષિ કાયદા રદ કરાવીને જંપશે. સરકારે દોઢ વર્ષ સુધી કાયદાનો અમલ નહીં કરવા માટે પણ સમાધાનની ફોર્મ્યુલા મોકલી હતી, જે ખેડૂતોએ ફગાવી દીધી છે. એક વાત સમજાતી નથી કે ખેડૂતોને જો આ કૃષિ સુધારાઓ માન્ય ન હોય તો સરકાર એ સુધારા માટે કેમ અડગ છે ?
વેલ, આ મુદ્દો વિપક્ષ કોંગ્રેસ માટે સરકાર ઉપર પ્રહાક કરવા માટે ખૂબ જ હાથવગો છે. તેનો લાભ વિપક્ષ તરીકે કોંગ્રેસ ઉઠાવે એમાં પણ કશું ખોટું નથી. વાયનાડ પહોંચેલા રાહુલ ગાંધીએ પણ તેમની જાહેર સભામાં એ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જાહેર સભામાં કહ્યું કે જો આ ત્રણ કૃષિ કાયદા અંગે ખેડૂતોને વિગતો જાણવા મળશે, તો આખા દેશના ખેડૂતો રસ્તા પર આંદોલન કરવા ઉતરી આવશે. દેશભરના ખેડૂતો કૃષિ કાયદા અંગે જાણશે તો દેશ ભડકે બળશે એવું તેમનું નિવેદન અત્યારે ચર્ચામાં છે. આગામી એપ્રિલ- મેમાં દક્ષિણ ભારતમાં ચૂંટણીઓ યોજાઇ રહી છે, ત્યારે કોંગ્રેસ દક્ષિણ ભારતના ખેડૂતોને કૃષિ કાયદા અંગે જાણકારી આપીને તેમને પોતાની પડખે કરવા મથી રહી છે. અત્યારે દિલ્હી ખાતે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં મોટા ભાગના ખેડૂતો હરિયાણા અને પંજાબના જ છે, તેને કારણે એવી છાપ પડી રહી છે કે એ આંદોલન ફક્ત એ બે રાજ્ય પૂરતું જ છે. એ ખરૂં કે ટેકાના ભાવનો બહુધા લાભ ઘઉં અને ચોખા પકવતા ખેડૂતો જ લેતા હોય છે. વળી એ બે રાજ્યોમાં મોટા ભાગના ખેડૂતો આ બે ધાન્યની જ ખેતીમાં હોવાને કારણે એક થઇ શક્યા છે.
બીજા રાજ્યોમાં ખેડૂતો અલગ અલગ પાક લેતા હોવાને કારણે એકતા ઓછી છે. ઉપરાંત ટેકાના ભાવ પણ ફક્ત 23 કૃષિ પાકો પૂરતા જ મર્યાદિત છે, ત્યારે બધા ખેડૂતોને તેનો લાભ મળતો જ નથી. જુઓને દક્ષિણ ગુજરાતમાં કેરી, ચીકુ અને શેરડી બહુધા પાકે છે, ત્યારે આ ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળતો જ નથી. ઉલ્ટાનું દિલ્હીમાં આંદોલન થવાને પગલે તેમજ લોક ડાઉન દરમ્યાન પરિવહનને અસર પહોંચતા ચીકુ દિલ્હી પહોંચાડી શકાયા જ ન હતા, તેને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે, પણ તે અંગે કોઇને ચિંતા નથી, એ પણ ખાસ નોંધવા જેવું તો છે જ. વર્ષો સુધી રોકડિયા પાક તરીકે ચીકુ પકવનારા ખેડૂતો પોતાનું ગુજરાન ચીકુ પર ચલાવતા હતા. પરંતુ હવે ચીકુની ખેતી એવી કસદાર રહી નથી, તેથી એ ખેડૂતો ચીકુને બદલે કેરી તરફ વળી રહ્યા છે. એ તમામ બાબતો અંગે પણ વિચારણા થવી જોઇએ. મોટા ભાગના કૃષિ પાકોની જાળવણી લાંબા સમય સુધી થતી નથી અને તેને કારણે જ ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી. અત્યારે વચેટીયા કમાય છે, તો કૃષિ કાયદા બાદ કોર્પોરેટ જગત પણ વચેટીયાના માર્ગે નહીં જ જાય એવી કોઇ ખાતરી દેખાતી નથી.