26મી મે 2021ના દિવસે પૂનમ છે. એ દિવસ એટલા માટે પણ ખાસ છે કે એ દિવસ સુપર બ્લડ મૂનનો દિવસ છે, સાથે જ એ દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. ચંદ્ર 26મી મેએ પૃથ્વીની છાયામાં જતો રહેશે. જ્યારે તે પૃથ્વીની છાયામાં નહીં હોય, ત્યારે તે પહેલાં કરતાં વધુ મોટો અને ચમકદાર દેખાશે. આ વર્ષનો આ બીજો સુપર મૂન છે. આ પહેલાં 26 એપ્રિલે સુપર મૂન જોવા મળ્યો હતો. આ સુપર બ્લડ મૂનનું ગ્રહણ થવાનું હોય તે રોચક બની રહેશે. પરંતુ આપણે ત્યાં તો એ સમયે બપોર હશે, તેથી ચંદ્રગ્રહણ જોવા મળશે નહીં. જો કે હવે સાંજે એક તરફ સૂર્ય ઢળતો હોય, ત્યારે બીજી તરફ આકાશમાં ચંદ્ર જોવા મળે છે, તેથી ક્યાંક સાવ આછું ચંદ્રગ્રહણ જોવા મળે તો નવાઇ પામવા જેવું નથી.
આવતી કાલનું ચંદ્રગ્રહણ બપોરે 3.15 મિનિટે શરૂ થઇ જશે અને સાંજે 6.22 કલાકે તે પૂરૂં થઇ જશે. આ દિવસે પશ્ચિમ ઉત્તર અમેરિકા, પશ્ચિમ દક્ષિણ અમેરિકા અને પૂર્વ એશિયાના દેશોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. એ દરમ્યાન 15 મિનિટ સુધી બ્લડ મૂન જોવા મળશે. બ્લડ મૂન એટલે ચંદ્ર સામાન્ય શીતળ સફેદ રંગનો દેખાય છે, પણ કેટલાક વિશેષ સંજોગોમાં તે સાવ લાલ રંગનો દેખાય છે, તેને કારણે તેને બ્લડ મૂન કહેવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ દરમ્યાન ચંદ્ર પૃથ્વીની છાયામાં જતો રહે છે, તેને કારણે ઘણી વખત આખો ચંદ્ર લાલ રંગનો જોવા મળે છે. સુપર મૂન એવી ખગોળ ઘટના છે, જ્યારે ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીકના અંતરે હોય છે. એ સમયે ચંદ્ર સામાન્ય રીતે જોવા મળે તેના કરતાં વધુ મોટો જોવા મળે છે. ઉપરાંત તેની તેજસ્વિતા પણ 14 ટકા વધુ જોવા મળે છે. ચંદ્ર પૃથ્વીથી 360000 કિલોમીટર કે તેનાથી ઓછા અંતરે હોય ત્યારે તેને સુપર મૂન કહેવામાં આવે છે. 26મીએ ચંદ્ર 7.23 કલાકે સુપર મૂન બનશે, જ્યારે ચંદ્ર પૃથ્વીથી 357300 કિલોમીટરના અંતરે હશે.