ભાવનગર શહેર અને જિલ્લામાં ફાયર એનઓસી વગર જ કેટલાક ફટાકડા સ્ટોલ ધમધમવા લાગ્યા છેે ત્યારે આગ અકસ્માતનો બનાવ બનશે તો જવાબદાર કોણ ? તે સવાલ લોકોમાં ચર્ચાય રહ્યો છે. એનઓસી માટે માત્ર એક ફટાકડા સ્ટોલ ધારકની અરજી આવી છે, જયારે અન્ય કોઈ ફટાકડા સ્ટોલ ધારકે ફાયર એનઓસી લીધુ નથી તેમ જાણવા મળેલ છે. ફાયર એનઓસીના પ્રશ્ને મનપાનો ફાયર વિભાગ કાર્યવાહી કરશે કે નહી ? તે જોવુ જ રહ્યું. ફટાકડા સ્ટોલ શરૂ કરવા માટે ફાયર એનઓસી ફરજીયાત છે પરંતુ તેમ છતા ઘણા ફટાકડા સ્ટોલ ધારકો ફાયર એનઓસી લેતા નથી, જે ગંભીર બાબત છે.
ભાવનગર શહેરમાં કેટલાક ફટાકડા સ્ટોલ શરૂ થઈ ગયા છે પરંતુ માત્ર એક ફટાકડા સ્ટોલ ધારકે અરજી કરી છે, જયારે અન્ય કોઈ અરજી આવી ના હોવાનુ ફાયર વિભાગના અધિકારીએ જણાવેલ છે. શહેરમાં આગામી દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાયમી હોલ સેલ ફટાકડાનાં સ્ટોલ ગોડાઉન તથા રીટેલ ફટાકડાના સ્ટોલ વેપારીઓ દ્વારા ઉભા કરવામાં આવે છે, આવા ફટાકડા સ્ટોલ ગોડાઉનમાં જોખમી અને જ્વલનસીલ વસ્તુઓનુ વેચાણ થતું હોય છે, જો આવા સ્ટોલમાં પુરતી તકેદારી ન રાખવામાં આવે તો આગ અકસ્માત ના બનાવો બને છે અને તેમાં જાહેર જનતાને જાનમાલનું નુકશાન થાય છે, જેથી તમામ પ્રકારના ફટાકડાના વેચાણ ફરતા સ્ટોલ ધારકોએ આગ અકસ્માતનાં બનાવો ન બને તે માટે તકેદારીનાં ભાગરૂપે ફાયર પ્રિવેન્શન અને ફાયર પ્રોટેક્શનનાં સાધનો લગાડી ફાયર વિભાગનું હંગામી એનઓસી મેળવવું જરૂરી છે.