મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર એક RPF કોન્સ્ટેબલે તેના વરિષ્ઠ ASI પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ ઘટનામાં ASI અને અન્ય 3 મુસાફરોનું ગોળી વાગવાથી મોત થયું હતું. ચેતન નામના કોન્સ્ટેબલે ફાયરિંગ કર્યું હતું. જેની પોલીસે મીરા રોડ પરથી ધરપકડ કરી છે. ચારેય મૃતદેહોને શતાબ્દી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
કોન્સ્ટેબલ અને ASI વચ્ચે બોલાચાલી થઈ હતી
આ ઘટના સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. આ ફાયરિંગ ટ્રેનના B 5 કોચમાં થયું હતું. ગોળીબારમાં ગોળી વાગવાથી 4 લોકોના મોત થયા હતા. જો કે ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આરપીએફ કોન્સ્ટેબલ અને તેના વરિષ્ઠ ASI વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો અને દલીલ થઈ હતી. જે બાદ કોન્સ્ટેબલે ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું. દહિસર વિસ્તારમાં પાલઘર અને મુંબઈ વચ્ચેની ટ્રેનમાં ફાયરિંગ થયું હતું. આરપીએફ કોન્સ્ટેબલ ચેતન માનસિક તણાવમાં હોવાનું કહેવાય છે.
રેલવે અધિકારીઓ તપાસમાં લાગેલા છે
મુંબઈમાં ડીઆરએમ નીરજ વર્માએ જણાવ્યું કે, સવારે લગભગ 6 વાગે અમને માહિતી મળી કે આરપીએફ જવાને ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. આરોપી કોન્સ્ટેબલ એસ્કોર્ટ ડ્યુટી પર તૈનાત હતો. રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે. મૃતકોના પરિજનોને વળતરની જાહેરાત કરવામાં આવશે.
ફાયરિંગનું કારણ સ્પષ્ટ નથી
પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે ‘આજે મુંબઈ-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. આરપીએફના એક કોન્સ્ટેબલ ચેતન કુમારે તેના સાથી એએસઆઈ ટીકારામ મીણા પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન અન્ય ત્રણ મુસાફરોને પણ ગોળી વાગી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ તેના સત્તાવાર હથિયારથી ફાયરિંગ કર્યું હતું. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કેસની તપાસ કરવામાં આવી રહી છે.’