વલસાડની કુસુમ વિદ્યાલયમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધા વિવાદનો વિષય બની ગઇ છે. આ સ્પર્ધામાં એક વિદ્યાર્થીએ ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્યમાં ગાંધીની નિંદા કરનાર તથા ગોડસેને હીરો તરીકે ચિતરનાર બાળકને બોલવા તો દેવાયું જ પરંતુ તે ઓછું હતું તેમ જજોએ પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવાને લીધે વિવાદ વધુ વકર્યો છે. ધોરણ-5થી ધોરણ 8ના 11થી 13 વર્ષનાં બાળકો માટે સ્થાનિક સરકારી કચેરી દ્વારા પસંદ કરાયેલા 3 વિષય પૈકી ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ પર વકતૃત્વ અપનારા બાળકને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.
સ્થાનિક સરકારી કચેરી દ્વારા આવો વિષય અપાતાં વિવાદ સર્જાયો છે. આ વિવાદ સામે આવતાં જ વલસાડ જિલ્લા રમતગમત અધિકારી મીતાબેન ગવલીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવાશે એવી ખાતરી આપી હતી.
વલસાડના કલેક્ટર ક્ષીપ્રા અગ્રેએ આ બાબતે જણાવ્યું હતું કે આ રમતગમત વિભાગના અંતર્ગત આવતી બાબત હોવાથી રમતગમત વિભાગ આ સંદર્ભે પગલાં લેવામાં આવશે. આ મારા અધિકારક્ષેત્રમાં આવતું નથી. જે-તે વિભાગ આ અંગે નિર્ણય લેશે. બાળપ્રતિભા સ્પર્ધા અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં સ્થાનિક સરકારી કચેરી તરફથી નક્કી કરાયેલા વિષયને લઇને પણ ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. સરકારી અધિકારીઓ દ્વારા પ્રાથમિક શાળાના 7થી 12 વર્ષનાં બાળકો માટે પણ વિષયોની પસંદગી સ્થાનિક સ્તરેથી કરાઈ હતી.
કુસુમ વિદ્યાલય શાળા-સંચાલિકા અર્ચના દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે જિલ્લાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા શાળામાં રાખવામાં આવી હતી, જેમાં જિલ્લા વક્તૃત્વ સ્પર્ધા હતી, જેનું સમગ્ર આયોજન વલસાડ જિલ્લા કચેરી દ્વારા જ કરવામાં આવ્યું હતું. માત્ર શાળાએ પોતાની પ્રિમાઇસિસ સ્પર્ધા કરવા માટે આપી હતી. સમગ્ર આયોજન સરકાર દ્વારા વલસાડની કચેરી દ્વારા કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું