ભારતમાં ખાસ કરીને ચોમાસામાં માખીઓ જોઈ શકાય છે. ખાદ્યપદાર્થો પર સતત બણબણતી આ માખીઓથી ચોમાસામાં માણસની મુશ્કેલી વધે છે. જો કે, હવે આ માખી માણસ માટે નવી મુશ્કેલી લઈને આવે તેવી સંભાવના વધી છે. ભારતમાં માખીઓની અંદર એક એવું ફંગલ એટલે કે ફૂગનું સંક્રમણ થઈ રહ્યાનું સંશોધન દરમિયાન બહાર આવ્યું છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ભવિષ્યમાં આ ફંગસ માખીથી માણસો સુધી પહોંચી શકે છે. સંશોધકોએ માખીઓમાં બે ફંગસ શોધી કાઢ્યા છે. જેમાં એકનું નામ સ્ટ્રોન્ગવેલસી ટિગરિને અને બીજીનું નામ સ્ટ્રોન્ગવેલસી એસરોસા આપવામા આવ્યું છે. આ ફંગસ સ્થાનિક માખીઓની બે પ્રજાતિ પર હુમલો કરવા માંડી છે. કોએનોસિયા ટિગરિના અને કોએનોસિયા ટેસ્ટાસિયા પ્રજાતિની માખી તેનો શિકાર બની રહી છે.
નવા ફંગસના હુમલાથી માખીઓ ચાલતી ફરતી લાશ બની જાય છે. ફંગસ તેમના શરીરમાં પ્રવેશ કરે છે તે પછી અંદરના અંગોને ખાવાનું શરૂ કરે છે. તેના પછી તેમના શરીરને અંદરથી આખું ખાઈ લીધા પછી બીજી માખીને સંક્રમિત કરે છે. આ ફંગસ માખીઓના પેટને નષ્ટ કરી દે છે. જે માખી પોતાના શરીરમાંથી ખાવાનું શરૂ કરે છે તે જોખમી બની શકે છે. આ પ્રકારની માખીઓ ચાલતી ફરતી ઝોમ્બી બની જશે. ઉપરાંત આ ફંગસ નવી માખીના શરીર પર પહોંચી શકે છે. જેથી ઝોમ્બી સંક્રમણને વધારે ફેલાવે તે નિશ્ચિત છે. સંશોધકો કહે છે કે, ફંગસના બીજાણુઓનો ફેલાવો માખીઓના પ્રજનન ક્રિયા દરમિયાન થાય છે. નરથી માદા માખીઓ સુધી આ ફંગસ ફેલાઈ જાય છે. તે પછી અન્ય માખીઓમાં. મર્યા પછી પણ માખીઓથી આ બંને ફંગસના બીજાણુઓના ફેલાવવાની આશંકા રહે છે. માખીઓના અંગોને ખાધા પછી આ ફંગસ પીળા રંગના સ્પોર્સ એટલે કે બીજાણુઓ પેદા કરે છે. આ બીજાણુઓ દ્વારા અન્ય માખી સંક્રમિત થાય છે. જ્યારે ફંગસ માખીના શરીરની અંદરના અંગોને ખાઈ રહ્યું હોય છે, ત્યારે પણ માખી જીવતી રહે છે.