બેગ્લોરમાં બુધવારે Zomatoના ડિલિવરી બોયે એક યુવતી પર હુમલો કરતા તેની ધરપકડ કરાઈ હતી. કામરાજ નામના આ ઝોમેટોના કર્મચારી પર યુવતી હિતેશાએ આરોપ મુક્યો હતો કે, ફૂડ પહોંચાડવા દરમિયાન કામરાજે તેને નાક પર મુક્કો માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હિતેશા બુધવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત હાલતમાં નજરે પડતી હતી. આ વીડિયોમા તેણીએ ઝોમેટાના ડિલેવરી બોયે પોતાના પર હુમલો કર્યાની વાત કહી હતી. આ વીડિયો ખૂબ જ ઝડપથી દેશમાં વાયરલ થઈ જતાં ઝોમેટેએ પણ બચાવમાં ખુલાસો કરવો પડ્યો હતો. આખરે આ મામલે પોલીસે સક્રિય થઈને આરોપી કામરાજને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તબક્કે યુવતીએ ઓર્ડર મોડો આવતા તે લેવા ઈન્કાર કર્યો હોવાનું અને તેથી ગુસ્સે ભરાયેલા કર્મચારીએ તેના નાક પર હુમલો કર્યાનું બહાર આવ્યું હતુ. પરંતુ કામરાજની ધરપકડ થયા બાદ આ ઘટનામાં વળાંક આવ્યો છે.
કામરાજે એક વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું હતું કે તેણે મહિલા સાથે કોઈ પણ પ્રકારે ગેરવર્તન કર્યું નથી. ઉલ્ટુ આ યુવતીએ જ ઉશ્કેરાઈને તેને માર્યો હતો. જ્યારે કામરાજ તેના ઘરે પહોંચ્યો ત્યારે તેણે યુવતીને ફુડ પાર્સલ આપ્યું હતુ. આ સાથે જ તેને ફુડ બદલ પૈસા મળવાની આશા હતી. કારણ કે, યુવતીએ કેશ ઓન ડિલિવરીને વિકલ્પ પસંદ કર્યો હોવાથી કામરાજે તેની પાસે પૈસા માંગ્યા હતા. આ સમયે તેણે ટ્રાફિક જામને કારણે ડિલિવરીમાં થોડું મોડું થયું હોવાથી માફી પણ માંગી લીધી હતી. આમ છતાં તે યુવતીએ સમજવાને બદલે મોડુ થવા મુદ્દે ઝઘડો શરૃ કરી દીધો હતો.
તે યુવતીએ કામરાજ સમક્ષ સતત રટણ કર્યું હતુ કે, ખાવાનું 45-50 મિનિટમાં આવી જવું જોઈતું હતું. જે પછી હિતેશાએ ફૂડ લઈને પૈસા આપવા ઈન્કાર કરી દીધો હતો. તેણીએ કહ્યું કે, તે Zomatoના ચેટ સપોર્ટ સાથે વાત કરી રહી છે. જો કે, કામરાજે ફુડના પૈસા આપવા વિનંતી કરી હતી. પરંતુ તેણે કામરાજને ગુલામ કહ્યો અને જોરથી બોલતા કહ્યું કે, તું આખરે કરી જ શું શકે છે ? ત્યારબાદ Zomato સપોર્ટે મને જણાવ્યું કે, આ યુવતીએ ઓર્ડર કેન્સલ કરી દીધો છે. તેથી તેણે તે યુવતી પાસે ફૂડ પરત માંગ્યું હતુ. જો કે, ફુડ આપવા યુવતીએ ના પાડી હતી.
યુવતીની આ હરકતોને જોઈને ફૂડ પાછું નહીં મળે તેમ સમજીને કામરાજ ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ સમયે હિતેશાએ કામરાજને અપશબ્દો કહેવાનું શરૃ કરી દીધું હતુ. તેણે કામરાજ પર ચપ્પલ પણ ફેકી અને મને માર મારવા માંડી હતી. આ સમયે કામરાજે ચહેરાને હાથોથી ઢાંકી લીધો હતો. જ્યારે તે મારા હાથોને હટાવીને ચહેરા પર ચપ્પલ મારવાનો સતત પ્રયાસ કરતી રહી હતી. આ સમયે ભૂલથી અંગૂઠી તેના નાક પર વાગી જતા નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતુ.