રાજ્યમાં લેવાયેલી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પેપર લીક થયાની ચર્ચા બાદ ચાર લાખથી વધુ ઉમેદવારોની ચિંતા વધી ગઇ છે. બીજી તરફ આ ચર્ચાઓ વચ્ચે સરકારે દાવો કર્યો છે કે પેપર લીક થયું નથી, પરંતુ કોપી કેસ થયો છે. ગુજરાત યુનિવર્સિટીએ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પેપર તૈયાર કર્યું હતું અને પરીક્ષા લેવાની જવાબદારી ફોરેસ્ટના મુખ્ય વન સંરક્ષકની કચેરીને સોંપવામાં આવી હતી. નિયત સમય મુજબ સવારે 11 વાગ્યે શરૂ થયેલી પરીક્ષા બપોરે 2 વાગ્યે પૂર્ણ થઈ હતી. આ મામલે હવે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સરકાર પર નિશાન તાક્યું છે. હાર્દિકે એક પોસ્ટમાં લખ્યું કે હવે માત્ર બાળ મંદિરનું પેપર જ ફુટવાનું બાકી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હાર્દિક પટેલ પેપરકાંડ પર સરકાર પર નિશાન તાકતો આવ્યા છે.
દરમિયાન મહેસાણા જિલ્લામાં પેપર લીકના સમાચાર સામે આવતા ઉનાવાની મીરાદાતાર સર્વોદય વિદ્યાલયમાં ખળભળાટ મચી ગયો હતો. આ પરીક્ષા કેન્દ્રના બ્લોક નંબર 9-10ના પરીક્ષાર્થીઓ પાસેથી પ્રશ્નોની ઉત્તરવહી મળી આવતાં હોબાળો થયો હતો. બેઠક નંબર 1265800 ના ઉમેદવાર પાસેથી મળેલા કાગળો શ્રી નાગરિક મંડળ ઉનાવાના લેટરપેડ પર લખેલા હતા. અન્ય પરીક્ષાર્થીઓ દાવો કરે છે કે પરીક્ષાના તમામ પ્રશ્નોના જવાબ લેટરપેડમાં આપવામાં આવ્યા હતા.
પરીક્ષાર્થીઓના હોબાળા બાદ પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, ત્યાં સુધીમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લીક થયાના સમાચાર સામે આવતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારને ભીંસમાં લેવાની શરૂઆત કરી દીધી હતી. બીજી તરફ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દાવો કર્યો છે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પેપર લીક થયું નથી, પરંતુ કોપી કેસ થયો છે. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે હકીકત સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. વાસ્તવમાં પરીક્ષા શરૂ થયા બાદ એક ઉમેદવાર પાણી પીવાના બહાને ક્લાસની બહાર નીકળ્યો હતો અને જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેની પાસે એક લેટર પેડ હતું જેમાં પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબો હતા. જો કે, ઉમેદવાર પરીક્ષા ખંડમાં આવતાની સાથે જ નિરીક્ષકે તેને પકડી લીધો હતો. આ ઘટનાને લઈને પેપર લીક થયું હોવાની આશંકા છે.