આજકાલ ગણદેવી તાલુકામાં અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ત્યારે ગણદેવીના ધારાસભ્ય સહિત નેતાઓ કોવિડ ગાઇડ લાઇનનો સરિયામ ભંગ કરી રહ્યા છે, ત્યારે પ્રવર્તમાન સમયમાં કોરોનાની ત્રીજી લહેરને ભાવભિનુ આમંત્રણ આપવા ગણદેવી તાલુકો થનગની રહયો એવુ ચિત્ર બહાર આવી રહયુ છે. માર્ચ ૨૦૨૦ માં શરૂ થયેલી વૈશ્વિક કોરોના મહામારીની બબ્બે લહેર આવી છતાં આજે પણ પ્રજા ,હોદેદારો અને પદાધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે. ગણદેવીમાં વૃક્ષારોપણ હોય,રાજકારણી સભા હોય કે કોલેજ પીકનીક બધામાં જ કોવિડ-19ના નીતિનિયમોના ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહયો છે. ગણદેવી તાલુકામાં સોશિયલ મીડિયામાં કેટલીક તસ્વીરો ફરતી જોવા મળી હતી જે તસ્વીરોમાં દેખાઈ રહેલા વ્યક્તિઓ સામાન્ય નાગરિક નહિ પણ પાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી, ભાજપ હોદ્દેદારો , આચાર્ય, દેખાઈ રહયા છે. લોકોએ કોરોનાથી સાવચેતી કેમ રાખવી તેની સમજ આપનાર જવાબદારો પોતે પણ કોરોના ને ભૂલી ગયા કે શું ?

વી એસ પટેલ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ને પણ કોરોના વિસરાઈ ગયો હોય એવા ફોટા સોશિયલ મિડિયામાં ફરતા જોવા મળ્યા હતા. સામાજિક અંતર વીસરી જઇ અને માસ્ક વિહોણા થઈ કોલેજ વિધાર્થીઓ સાથે અલગ અલગ અંદાજમાં ફોટા મૂકી વી એસ પટેલ કોલેજ આચાર્ય લોકોને શુ કહેવા માંગે છે ? આ લોકો અભય વરદાન લઈને આવ્યા છે કે પછી કોરોના શબ્દ જ એમની ડિક્શનરીમાં નથી ! કોરોના માં જરાક રાહત મળી ને લોકો આંખ આડા કાન કરી રહયા છે જે લોકોના આરોગ્ય માટે ખૂબ જોખમકારક સાબિત થઈ શકે છે.WHO ની ગંભીર ચેતવણી છતાં ફરવા લાયક સ્થળો હોય, ધાર્મિક સ્થળો હોય,રાજકીય કાર્યક્રમ હોય તેને કોઈ કોવિડ ગાઈડ લાઈન લાગુ ન પડે એ સરકારની નિષ્ફળતા કે બેદરકારીનો નમૂનો છે.

કોરોનામાં હૉસ્પિટલો અને ઓક્સિજન ની લાઈનો ભૂલી જઈ હાલ લોકો બેફિકર હરિફરી રહયા છે. કોરોનાની ત્રીજી લહેરને ભાવભીનું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આપણા જ લોકોનો મોટો સાથ સહકાર રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.