શ્રીલંકાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકા પરત ફરવાના છે. દેશમાં ઐતિહાસિક આર્થિક કટોકટી અને તેના કારણે સર્જાયેલી રાજકીય કટોકટી અને અશાંતિ બાદ તેમણે દેશ છોડી દીધો હતો. તેમના સ્થાને રાનિલ વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ તરીકે દેશની બાગડોર સંભાળી રહ્યા છે. શ્રીલંકાના સંરક્ષણ અધિકારીઓએ માહિતી આપી છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ રાજપક્ષે જલ્દી સ્વદેશ પરત ફરશે. તેમના સ્થાને રાનિલ વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ તરીકે દેશની બાગડોર સંભાળી રહ્યા છે.
જુલાઈમાં દેશ છોડીને ભાગી ગયા હતા
દેશમાં જબરદસ્ત આર્થિક અને રાજકીય કટોકટી અને તેમની સામેના વિદ્રોહ વચ્ચે તેમને જુલાઈમાં દેશ છોડવાની ફરજ પડી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ શનિવારે થાઈલેન્ડથી સ્વદેશ પરત આવી શકે છે.
અગાઉ 24 ઓગસ્ટે પરત ફરવાનો કર્યો હતો દાવો
એક અહેવાલમાં રશિયામાં શ્રીલંકાના ભૂતપૂર્વ રાજદૂત, રાજપક્ષેના નજીકના સહયોગી ઉદયંગા વીરતુંગાને ટાંક્યા છે. તેમણે સંકેત આપ્યો કે, રાજપક્ષે શનિવારે થાઈલેન્ડથી દેશ પરત આવી શકે છે. આ પહેલા તેણે સંકેત આપ્યા હતા કે તે 24 ઓગસ્ટે ઘરે પરત ફરી શકે છે.
નોંધનીય છે કે, ગોટાબાયા રાજપક્ષે ગયા મહિને માલદીવ ભાગી ગયા હતા અને ત્યારબાદ સિંગાપોર ભાગી ગયા હતા. તે મેડિકલ વિઝા પર સિંગાપોરમાં દાખલ થયો હતો અને ત્યાં રહેવા માટે તેને બે વાર લંબાવવામાં આવ્યો હતો. ત્યારપછી તેમના વિઝા લંબાવી શકાયા ન હોવાથી રાજપક્ષે અને તેમની પત્ની થાઈલેન્ડ જવા રવાના થઈ ગયા. થાઈ સરકારે તેમને ખાતરી આપી હતી કે તેઓ 90 દિવસ સુધી ત્યાં રહી શકશે. જો કે રાજપક્ષેને થાઈલેન્ડમાં રાજકીય ગતિવિધિઓમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી નથી. હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તેમની પત્ની લોમા રાજપક્ષે સાથે બેંગકોકની એક હોટલમાં રોકાયા છે.
SLPPની વિનંતી પર, દેશમાં પાછા ફરવાની વ્યવસ્થા કરવામાં આવી
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે, રાજપક્ષેના નેતૃત્વવાળી SLPPએ તેમને વિનંતી કર્યા બાદ રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે તેમના પરત ફરવાની વ્યવસ્થા કરી છે. 19 ઓગસ્ટના રોજ, SLPPના મહાસચિવ સાગર કરિયાવાસમે કહ્યું કે, રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે સાથેની બેઠકમાં વિનંતી કરવામાં આવી હતી.