કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં ગુજરાત માટે બહુ જ લાભકારક એવા નદીઓના જોડાણની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં કેન્દ્રીય મંત્રીએ દ.ગુજરાતની દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદીને જોડવાની જાહેરાત કરી છે. જેથી રસ્તામાં આવતી અન્ય સાત મોટી નદીઓ પણ આ મોટી નદીઓમાં ભેળવી દેવામાં આવે તેવી શક્યતાઓ ઉભી થઇ છે. ચોમાસાના ચાર મહિના સિવાય ઓછું અથવા નહીવત પાણી ધરાવતી આ નદીઓમાં નર્મદા અને દમણ ગંગાના જોડાણથી બારેમાસ પાણી જોવા મળે એ દિવસો વધારે દૂર નથી. આ યોજના લાગુ કરવામાં આવે તો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી જોયેલું નદીઓને જોડવાનું સપનું પૂરું થઇ જશે. તેમજ ગુજરાતના જે જિલ્લાઓમાં પાણીની અછત છે તેનો પણ કાયમી નિકાલ આવી જશે
ભારતમાં ઉપલબ્ધ જળસંચયનો માત્ર 2% જળ જ ગુજરાતમાં ઉપલબ્ધ છે. જયારે દેશની વસ્તીના કુલ 5% વસ્તી ગુજરાતમાં વસે છે અને તેને લીધે હજી એવા ઘણાં વિસ્તાર છે જ્યાં પાણીની અછત રહે છે. તેથી નદીઓના જોડાણની જરૂરીયાત આવીને ઉભી થઇ છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતનો 29% જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ વધારે પાણી છે તેથી આ પાણીને એવા વિસ્તારની નદીઓ સાથે જોડવામાં આવશે જ્યાં પાણીની કમી રહે છે. ઉપલબ્ધ જળ સંશાધનોની જળસ્ત્રોતોના સંકલિત વ્યવસ્થાપન દ્વારા સપ્રમાણમાં વહેંચણી કરી શકાશે. પાણીને લીધે ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારો તરફનું પ્રજાનું સ્થળાંતર વધ્યું છે જેને અટકાવવા માટે પણ આ યોજના લાભપ્રદ રહે તેવી સંભાવના સરકાર જોઇ રહી છે.
દમણગંગા, પાર, તાપી અને માર્ગમાં આવતી અન્ય નદીઓમાંથી દર વર્ષે લાખો ક્યુસેક પાણી દરિયામાં ઠલવાઇ જાય છે. દરિયામાં નકામા વેડફાઇ જતાં વધારાના પાણીનો યોગ્ય ઉપયોગ આ યોજના દ્વારા પાર પાડી શકાશે. કેન્દ્ર સરકારની આ યોજના સિંચાઇ તેમજ પીવાનાં પાણીની જરૂરિયાતો પૂરી પાડવા માટે અત્યંત ઉપયોગી થશે. દ્વિપકલ્પીય લીંક કેનાલનાં આયોજનમાં ગુજરાતને લાભકર્તા પાર-તાપી-નર્મદા તેમજ મહારાષ્ટ્રને લાભદાયી દમણગંગા-પીજંલ લીંક કેનાલનો સમાવેશ થાય છે.