નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શકમંદોની આત્મહત્યાની ઘટનામાં પીઆઈ અજીતસિંહ વાળા, પીએસઆઈ એમ.બી. કોકણી, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ રામજી યાદવ સામે હત્યા અને એટ્રોસીટી એકટ નો ગુનો નોંધતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.સમગ્ર સુરત રેન્જમાં પોલીસ અધિકારીઓ સામે હત્યા અને સ્પેશીયલ એટ્રોસીટી એકટનો ગુનો નોધાયો હોય તેવી આ એક પ્રથમ ઘટના ગણી શકાય તેમ છે.
ચીખલી પોલીસ સ્ટેશનમાં ગયા બુધવારની વહેલી સવારે વાહન ચોરી પ્રકરણમાં વઘઈથી ઝડપાયેલા રવિ સુરેશ જાદવ તેમજ સુનિલ સુરેશભાઈ પવારને ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મીઓ દ્વારા ખૂબ મારમારતા આ બંન્ને આદિવાસી યુવાનોએ બુધવારે વહેલી સવારે ૫ થી ૮ દરમ્યાન ચીખલી પોલીસ સ્ટેશનમાં જ કોમ્પ્યુટર કેબલ અને ઇલેક્ટ્રિક સગડીના વાયર વડે પંખા ઉપર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા હતા.
આ ઘટનાને પગલે આદિવાસી સંગઠનો તેમજ વિવિધ રાજકીય પક્ષના આગેવાનોએ સમગ્ર ઘટનાને વખોડી કાઢી બંન્ને આદિવાસી યુવાનોના અપમૃત્યુ કેસમાં તેમની હત્યા થઇ હોવાનું જણાવી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને સમગ્ર પ્રકરણની ઊંડાણ પૂર્વક તપાસ કરવાની માંગ સાથે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગણીઓ કરી હતી. જોકે સમગ્ર ઘટના બાબતે છેલ્લા બે દિવસથી મૃતક આદિવાસી યુવાનોના પરિવારો દ્વારા ઘટનામાં સંડોવાયેલ પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ફરીયાદ આપવાની વ્યાપક ચર્ચાઓ શરૂ થતાં જ આ બંન્ને યુવાનોની મોતની તપાસ યોગ્ય દિશામાં થાય તેમજ ઘટનામાં સંડોવાયેલ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ થાય એ માટેના સતત પ્રયાસો થતા તા. 28 મીએ નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયને લેખિત અરજી આપી ગુનો નોધવા જણાવતા નવસારી જિલ્લા પોલીસ વડાએ આ બનાવમાં તટસ્થ અને ન્યાયની તપાસ માટે તેમજ ડાંગના ધારાસભ્ય વિજય પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવિતે મૃતકના પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.
એક અઠવાડીયા પછી ચીખલી પોલીસે મૃતક બંન્ને યુવાનના પરિવારોની ફરીયાદ લઈને આ ઘટનામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ વિરૂદ્ધ હત્યા અને એટ્રોસીટી એકટ નો ગુનો નોંધતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલમાં તો આ પ્રકરણની વધુ તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી આર.ડી.ફળદુને સોપવામાં આવી છે. એક ચર્ચા મુજબ હાલમાં તો પોલીસે તેમના અધિકારીઓ અને કર્મચારીઓ વિરૃદ્ધ ગુનો નોંધી પોતાની ચામડી બચાવવાનો પ્રયાસ કર્યો છે અને આ પ્રકરણમાંથી તેઓ આબાદ રીતે બહાર નીકળી જશેની પણ શંકા પોલીસ બેડામાં જ ચર્ચાઈ રહી છે.
છેવટે મોડી સાંજે ચીખલી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચીખલી પોલીસ મથકના પીઆઈ એ.આર.વાળા તેમજ હેડ કોન્સ્ટેબ્લ શક્તિસિંહ ઝાલા, પો.કો.રામજી યાદવ,પો.કો.રવિન્દ્ર રાઠોડ તેમજ કોકણી પીએસઆઈ ના તાબા હેઠળના પોલીસ કર્મચારી તેમજ કેટલાક અજાણ્યા ઈસમો કે જેઓ પોલીસ કર્મચારી તરીકે પોતાની ઓળખ આપતા હતા તેઓ વિરૂદ્ધ હત્યા તેમજ સ્પેશીયલ એટ્રોસીટી એકટ મુજબની ફરીયાદ મરનારનો ભાઈ નિતેશ સુરેશભાઈ જાદવે (ઉ.વ.૨૫) (રહે,નાકા ફળિયા વઘઈ) ચીખલી પોલીસ મથકે નોધાવતા આ ઘટનાની તપાસ નવસારી જિલ્લા એસસીએસટી સેલના ડીવાયએસપી આર.ડી.ફળદુ ને સોપવામાં આવી છે.