વિદેશી ગર્લફેન્ડે અમદાવાદના આધેડ પાસે રૂ. 32 લાખ પડાવી લીધાનો કિસ્સો બહાર આવ્યો છે. ઘટના બાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરાતાં શરૃ થયેલી તપાસમાં આ ખેલમાં દિલ્હીની ઠગ ટોળકી સામેલ હોવાનુ ખુલ્યુ છે.
અમદાવાદ કૃષ્ણનગરમાં રહેતા દશરથભાઈ પટેલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એપ્રિલ 2020માં એક અજાણ્યા ફેસબુક આઈડી પરથી તેમને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે તેમણે સ્વીકારી લીધા બાદ બંને વચ્ચે વાતચીતનો દોર ચાલ્યો હતો. દરમિયાન ફોન નંબરની આપ-લે કર્યા બાદ whatsapp મારફતે પણ બંને વચ્ચે સતત સંપર્ક થતો હતો.
આ વ્યક્તિએ સૌપ્રથમ દશરથભાઈને પોતાની ઓળખ ઇંગ્લેન્ડમાં કાર્નિવલ શિપિંગ કંપનીમાં કેપ્ટન તરીકે આપી હતી. ત્યારબાદ 14 એપ્રિલે આ વ્યક્તિએ તમારા માટે હું એક પાર્સલ મોકલું છું જેમાં મોબાઈલ, ઘડિયાળ કપડા, જ્વેલરી અને લેપટોપ જેવો સામાન છે તેવું દશરથભાઈને કહ્યું હતુ. જે પછી બીજે જ દિવસે દશરથભાઈ ઉપર એક મહિલાનો ફોન આવ્યો હતો. જેમાં તે પોતે દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 2 કસ્ટમ ઓફીસથી બોલતી હોવાનું કહીને પાર્સલમાં કિમતી સામાન હોવાથી કસ્ટમ ડ્યૂટી ભરવા માટે જણાવ્યું હતું.
આ સમયે દશરથભાઈએ કસ્ટમ ડયુટી ભરવા ઈન્કાર કરતા તે મહિલાએ જો તમે પાર્સલ સ્વીકારવાની ના પાડશો તો તમારી કારકિર્દીને તકલીફ પડશે તેવી ધમકી આપી હતી. આથી પણ ગભરાયેલા દશરથભાઈએ ફોન પે મારફતે રૂપિયા 35 હજાર યુકો બેન્કમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આમ છતાં બીજે દિવસે તમારું પાર્સલ સ્પેલિંગ કરતાં તેમા 50 હજાર પાઉન્ડ હોવાનું જાણવા મળ્યું છે. જેથી તમારે મની ટ્રાન્સફર ચાર્જ ચૂકવવો પડશે તેવો ફોન આવ્યો હતો. આ સમયે પણ દશરથભાઈએ ચાર્જ આપવા ના પાડી હતી. તેથી સામેથી તમારા પાછળનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે જેથી તમારે હવે પાર્સલ સ્વીકારવું પડશે. નહીં તો તમારી સામે મની લોન્ડરિંગનો કેસ થશે તેવી ધમકી અપાઈ હતી. વધુમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સ ઓફ રેવન્યુના ખોટા સર્ટીફીકેટ પણ દશરથભાઈના મેલ પર મોકલાયા હતા. આમ કરીને દશરથભાઈ પાસે રૂપિયા એક લાખ ત્રણ હજાર ભરાવ્યા હતા. જો કે, મોડે મોડે દશરથભાઈને ઠગાઈનો અહેસાસ થતાં તેમણે પોલીસનું શરણું લીધુ હતુ. પોલીસે હાલમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેમા દિલ્હીની ગેંગ સક્રીય હોવાનુ ખુલતા એક શંકાસ્પદની અટકાયત કરાઈ છે.