સુરતમાં અધિક પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ નિવૃત્ત આઇ.પી.એસ. બાવકુ જેબલિયાના પુત્ર નિરવે આચરેલા કૃત્યની નોંધ પોલીસ ચોપડે લેવાઈ છે. નિરવ જેબલિયાએ સરથાણાના એક બિલ્ડર સાથે ૪૦ લાખની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા સુરત ક્રાઈમ બ્રાંચે સમગ્ર ઘટના અંગે તપાસ આદરી છે. સુરતના સરથાણા જકાતનાકા પંચવટી સોસાયટીમાં રહેતા ગોપાલ વ્રજલાલ રાદડિયા બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપીંડી થવા અંગે લેખિત ફરિયાદ આપી હતી. જેને આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ગોપાલ રાદડિયા પોતે ૨૦૧૯માં ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ કચેરીમાં બિલ્ડિંગ, ખેતી અને જમીન લે-વેચના ધંધાના કામકામ માટે જતા હતા. આ દરમિયાન ગાંધીનગર ઉદ્યોગનગરમાં લીઝ ચાલુ કરવા માટે તેમની ઈચ્છા થઈ હતી. જે માટે તેમણે કાર્યવાહી શરુ કરતા
અમદાવાદના નિકોલમાં તાજ રેસિડેન્સીમાં રહેતાં અને જમીન લે-વેચનું કામ કરતાં મુકેશ બોઘરા સાથે તેમની મુલાકાત થઇ હતી. ત્યારબાદ મુકેશ મારફતે નિરવ બાવકુ જેબલિયા (રહે. ૪૦૩, વૈભવલક્ષ્મી, મહાદેવનગર, અમદાવાદ) સાથે તેમને પરિચય થયો હતો. આ સમયે નિરવે પોતે આઇપીએસ અધિકારીનો પુત્ર હોવાનું જણાવ્યું હતુ. સાથે જ નિરવ પોતે સચિવ કૈલાસનાથના અંગત વિશ્વાસુ માણસ હોવાનો દાવો પણ કર્યો હતો. બિલ્ડર રાદડીયા સમક્ષ નિરવે ભુજમાં મીઠાના ઉત્પાદન અને નર્મદા નદીમાં રેતીની લીઝનું સેટિંગ કરી આપવા દરખાસ્ત મુકી હતી. આ કામ માટે રાદડીયા પણ તૈયાર થઈ ગયા હતા. જે બાદ નિરવે બિલ્ડર ગોપાલ રાદડીયા પાસે જુદા જુદા કામ કરાવી આપવાને નામે ૪૦ લાખ રૂપિયા ઉસેટી લીધા હતા. જયારે નિરવે પોતે કહેલા કોઈ કામ પણ ન થતાં બિલ્ડરે નિરવ પાસેથી 40 લાખ પરત માંગ્યા હતા. જેથી નિરવે બિલ્ડરને ચેક લખી આપ્યા હતા. પરંતુ તે તમામ ચેક ખાતામાં અપૂરતા નાણાને કારણે પરત ફર્યા હતા. આખરે નિરવની છેતરપીંડીનો બરાબર ખ્યાલ આવી જતા બિલ્ડરે પોલીસનું શરણુ લીધું છે.