ભારત સરકાર પાસે બાકી નીકળતા ૧.૭ બિલિયન ડોલર વસૂલવા બ્રિટનની કેઇર્ન એનર્જી કંપનીએ ફ્રાન્સની અદાલત કેસ કર્યો હતો. આ કેસમાં પેરિસમાં આવેલી અને ભારત સરકારની માલિકીની ૨૦ સંપત્તિને ક્રેઈન એનર્જી જપ્ત કરી શકશે તેવો આદેશ અદાલતે કર્યો છે. જો કે, ગુરુવારે આ મામલે ભારત સરકારે હજૂ સુધી ફ્રેન્ચ કોર્ટના ચુકાદા અંગે કોઈ નોટીસ મળી ન હોવાનું જણાવ્યું હતુ. મળતી વિગતો મુજબ પેરિસના મધ્યમાં ભારત સરકારની માલિકીના કેટલાય ફ્લેટ આવેલા છે. આજે બજારમાં આ ફલેટની કિંમત ૨૦ મિલિયન યૂરો એટલે કે ૨૪ મિલિયન અમેરિકન ડોલર છે. આ સંપતીઓનું વેચાણ કરીને ક્રેઈન એનર્જી ઘણાં સમયથી તેની ભારત સરકાર પાસે નીકળતી બાકી વસૂલાત ઈચ્છતી હતી. તેથી આ અંગે ક્રેઈન એનર્જીએ ફ્રેન્ચની અદાલતમાં ભારત સરકાર સામે કેસ નોંધાવ્યો હતો.
જેમાં તેણે ભારત સરકારની માલિકીની રીઅલ એસ્ટેટ સંપત્તિને જ્યુડિશિયલ મોર્ગેજના માધ્યમથી ફ્રીઝ કરવાની માગ કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ક્રેઈન એનર્જી કંપનીની આ અરજી સંદર્ભે ફ્રાન્સની કોર્ટ ટ્રિબ્યૂનલ જ્યુડિશિયરી દ પેરિસે ભારત સરકારની વિરુદ્ધ ચુકાદો આપી દીધો હતો. આ માટેની તમામ કાયદાકીય પ્રક્રિયા બુધવારે સાંજે પૂરી કરી લેવામાં આવી હતી. હવે પેરિસમાં ભારતીય માલિકીના ફ્લેટોમાં રહેતા ભારતીય અધિકારીઓ અંગે ક્રેઈન એનર્જી શું નિર્ણય લેશે તે અંગે અટકળો ચાલી રહી છે. કેઇર્ન એનર્જીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે ભારત સરકાર સાથે સમાધાનકારી વલણ દાખવીશું. પરંતુ હજુ સુધી તે માટે કોઈ પહેલ થઈ નથી.
અમે ફેબ્રુઆરી ૨૦૨૧માં ભારત સરકાર સમક્ષ વિગતવાર પ્રસ્તાવો રજૂ કર્યા હતા. આમ છતાં ભારતે કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો. આખરે કેઇર્ન એનર્જીએ તેના આંતરરાષ્ટ્રીય શેરહોલ્ડરોનાં હિતોને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ કાયદાકીય પગલાં લેવાનું શરુ કરવા નિર્ણય કરવો પડ્યો હતો. હવે કોર્ટના આદેશ બાદ 20 સંપત્તિઓના કોઇપણ પ્રકારના વેચાણનો અધિકાર કેઇર્ન એનર્જી પાસે રહેશે. ફ્રાન્સમાં બનેલા આ ઘટના ક્રમ અંગે ભારત સરકારના નાણામંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, અખબારી અહેવાલોને આધારે અમને કેઇર્ન એનર્જીએ કરેલા કેસની વિગતો જાણવા મળી છે. કિન્તું હજુ અમને આ પ્રકારની કોઇ નોટિસ પ્રાપ્ત થઇ નથી. ભારત સરકારને ફ્રાન્સની કોઇ અદાલત તરફથી કોઇપણ પ્રકારની જપ્તીની નોટિસ મળી નથી. અમે હકીકતમાં ત્યાં શુ બન્યું છે તેની વિગતો જાણવા પ્રયાસ કરી રહ્યાં છીએ. અમને કોઈ ચોક્કસ આધાર મળશે કે તરત જ વકીલો સાથે મળીને ભારતનાં હિતોની જાળવણી માટે કાયદાકીય કાર્યવાહી આરંભીશું.